પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૫
તરલા અથવા ઉર્મિનો આવેગ


પથારી પાસે બેસી જ રહ્યાં. પાછલી રાતના જુગલને શાન્તિ વળી હોય એમ લાગ્યું અને અરવિન્દને એમ થયું કે આંખ મળી. આ જોઈ અરવિન્દ ઉઠવા જતો હતો ત્યાં જુગલને ઘસારો લાગ્યો. તે જાગ્યો ને 'ભાઈ ! મને છોડી ન જાઓ. થોડીવાર છું, એટલીવારે નહી બેસો?' અંધકારમાં મૃત્યુશય્યા પાસે આ શબ્દ અરવિન્દને હૃદયમાં ઉડે ઘા પાડવા બસ હતા. અરવિન્દ બેસી જ રહ્યો. કુકડાં બોલ્યાં, વ્હાણું વાયું ને જુગલની આંખ પાછી મળી. આમને આમ ત્રણ દિવસ ચાલ્યા ગયા. આગળ પાછળનાને એમ જ લાગ્યું કે આશા નિરાશા જ હતી. જુગલને પોતાને પણ સ્વર્ગ કે નર્કની ભૂમિ દેખાવા લાગી અને મ્હોં ઉપરનું રહેલું તેજ નષ્ટ થયું. વખતના વહેવાની સાથે જુગલની પીડા વધી.ઓએ બાપરે ! મરી ગયો !'ની બૂમો પાડવા લાગ્યો. પાસે બેઠેલાં સ્નેહીજનો આંસુ લહોતાં, હૃદય બાળતાં, 'ભાઈ, ભાઈ, શું છે ?ઓ મા, મટી જશે, ભાઈ ! પ્રભુ મટાડશે ! લાવ ચોળું?' કહી જુગલને આરામ આપવા તજવીજ કરતાં. પણ એ આરામ ક્યાંથી મળે? સેવા કરવાથી કાંઈ કંટાળેલાં નહોતાં, કોઈ આવી કહે કે આમને આમ અખંડ સેવા આખો મહીનો કરવાથી જુગલ સારો થશે તે ત્રણે જણ ભૂખ્યા તરસ્યાં બેસી રહેવા તત્પર હતાં; પરંતુ આશા ન હોવાથી હવે તો એમને એમ જ થતું કે આ દુઃખ જોયાં કરતાં-આ દુઃખ સહ્યાં કરતાં તો પ્રભુ જુગલને ઉપાડી લે તો જ સારું. પરંતુ મૃત્યુ માગ્યું આવતું નથી. જુગલ હેરાન થતો હતો અને એનાં સ્નેહીજનો પણ માનસિક દુઃખે પીડાતાં હતાં.

લીલાએ કોઈ દિવસ આવી મહેનત લીધી નહોતી. મુંબાઇ હતી ત્યારે તેમ જ પોતાને ઘેર સહવાર સાંજ ફરવા જતી, અને આરામ લેતી, તેજ લીલાએ આજ કેટલા દિવસ થયા આ ઓરડીની બહાર પગ મૂક્યો નહોતો. ઉજાગરાની સાથે માનસિક ચિન્તા કરી મહેનત ઉઠાવી હતી અને તેનું પરિણામ એજ આવ્યું કે તે પટકાઈ પડી. તેને શરીરે તાવ ચડ્યો. અરવિન્દ, ડાક્ટરે સૂવા–બીજી ઓરડીમાં જવા