પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૭
ગભરાયેલો ભૂજંગ.


શા માટે કહેવામાં આવે છે તે જાણી શકી. આ ફેરી મુંબઈ આવતાં સુધી તે સ્ત્રી હતી-પત્ની હતી, આ મૃત્યુશયાએ જ તેને ગૃહદેવી બનાવી હતી, અને તે માટે પ્રભુનો ઉપકાર માનતી હતી.

જુગલનો મૃત્યુસંસ્કાર થયો ત્યારે જ સગાવ્હાલાંને ખબર પડી કે લીલા-અરવિન્દ મુંબઈ આવ્યાં છે. લીલાનું શરીર કથળ્યું હતું, તાવ પીછો છોડતો નહોતો અને ડાક્ટરની સલાહની જરૂર જણાતાં લેવાઈ. અરવિન્દને હજી પોતાના ભાઈનો ઘા રૂઝાયો નહોતો, મૃત્યુ પથારીનું ચિત્ર હજી મગજમાંથી ખસ્યું નહોતું ત્યાં લીલાની ચિન્તા શરૂ થઈ. આ ચિન્તામાં ડાક્ટરના શબ્દે વધારો કર્યો. ડાક્ટરી તપાસમાં જણાયું કે લીલા સગર્ભા છે. આ વાત જાણતાં લીલાની આવી સ્થિતિમાં ભાઈના મૃત્યુ પછી તરત જ આનંદ પામવું કે કેમ એ પ્રશ્ન અરવિન્દને થઈ પડ્યો. 'લીલા ! લીલા આ ઘાટીમાંથી બચશે ? અને બાળકને લઈ પાછી મારા ગામડાના શાન્ત જીવનમાં રસ લેવા આવશે –આવી શકશે?' એમ અરવિન્દને થયું.

પ્રકરણ ૨૯ મું.

ગભરાયેલો ભૂજંગ.

“ભૂજંગલાલ ત્યાં આવ્યા હોય તો સંભાળજો–કાગળ પાછળથી આવે છે” એ વીણાના તારથી મુંબાઈમાં કેટલો ત્રાસ વર્ત્યો હતો એ આપણે જોઈ ગયા છીએ. તરલા બીચારી મૃત્યુ પથારીમાં સુમનના નામની માળા જપતી હતી તે જ વખતે એ જ તાર વાંચી સુમનલાલે વસન્તલાલને કહ્યું. 'વસન્તલાલ, હું કહેતો હતો તે ખોટું ? જુઓ ભૂજંગ આવ્યો છે, એનાથી સંભાળવા વિણા લખે છે, આ તરલાનો ઢોંગ નહી તો બીજું શું ?' વસન્તલાલે સુમનને બહુ સમજાવ્યો, પરંતુ એના હૃદયમાંથી વ્હેમ ન જ ખસ્યો. જે કામ ચંદા,