પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૮
તરલા અથવા ઉર્મિનો આવેગ

 વસંતલાલ ન કરી શક્યાં તે જ કાર્ય પ્રભુએ કર્યું. તરલાને મૃત્યુપથારીમાં જોતાં એની પીડા, પોતાને માટે એના લાગણીભરેલા શબ્દો સાંભળી સુમનનું કોમળ હૃદય નરમ બન્યું, અને તરલા દોષિત હોય તોપણ અંતઃકરણથી તેણે ક્ષમા માગી તે આપી. સુમનને હવે જ ખરેખરૂં દુઃખ થયું. તરલાના ગુણો, તરલાની સાથે ગળાઈ શકાય એવા દિવસોનાં સ્વપ્નાં હવે જ સાંભર્યા, અને ભવિષ્યમાં થનારી પવિત્ર પત્નીને દુભવી તે માટે પશ્ચાત્તાપ કરતો, હવે એકલો જ દુનિયામાં ભમવા, ડાક્ટર આશા આપે તો બોલાવજો કહી સુમન ચાલ્યો ગયો.

ચંદા ઉપર ભૂજંગલાલને તાર આવ્યો હતો. એ તારને અર્થ ચંદા સમજી નહોતી અને તરલાના ભયંકર મંદવાડ આગળ એ વિશે વિચાર કરવા વખત પણ નહોતો. વસંતલાલે સુમનલાલના તાર સંબંધી ઉદ્દગાર ચંદાને કહ્યા હતા અને પતિ પત્ની તરલા, સુમનના જીવનની ગુંચ વધારે ગૂંચવાતી જાય છે માની નિશ્વાસ નાંખતાં બેસી રહ્યાં. ભૂજંગલાલ આવે છે તે માટે વીણા શા માટે તાર કરે ? ભૂજંગલાલથી શું સંભાળવાનું છે ? એ વિચાર ચંદાને થયો. બીજે દિવસે કાગળની રાહ બહુયે જોઇ પણ કાગળ આવ્યો નહી અને તરલાના મંદવાડમાં વાત વિસારે પડી. સુમનલાલ શાન્ત થઈ–દુઃખી થઈ તરલાની આશા મૂકીને ગયો અને થોડીવારે ભૂજંગલાલ આવ્યો. તરલાની સ્થિતિ ગંભીર હતી. ચંદા–વસન્તલાલ ઉભે પગે તરલાની ઉઠ-વેઠ કરતાં હતાં. તરલાને સન્નિપાતનાં ચિન્હ થયાં હતાં, પરંતુ સુમનલાલની ક્ષમા મેળવી શાન્ત થઈ હતી એટલે એના ચહેરા ઉપર ઉકળાટ કે ત્રાસ નહોતો. પરંતુ પ્રભુના નામને બદલે ચંદા-સુમન એટલા જ શબ્દ નીકળતા. તાવ ચ્હડવા માંડ્યો હતો, માથા ઉપર બરફનાં ગછેગછાં ક્ષણવારમાં ઘસાઈ ઓગળતાં હતાં. ડાક્ટર, નર્સ અવસાનના કલાકો જ ગણતા હતા ત્યાં નોકરે આવી ચંદા બ્હેનને ધીરે રહી કહ્યું, “બા, બ્હાર કોઈ ભૂજંગલાલ નામે આવ્યા છે, તમને મળવા ઈચ્છે છે.” કોણ જાણે કેમ તરલાને આ જ વખતે ભાન આવ્યું