પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


અંદર દાખલ થયો કે પહેલું ‘હાઉસ ઓફ નોન્સેન્સ’ આવ્યું. તે હાઉસ ઓફ નોન્સેન્સ–બેવકુફીનું ઘર જ લાગ્યું. કેકવૉક ખોળતો અરવિન્દ કેકવૉક પાસે આવ્યો. અરવિન્દને જોતાં જ લીલાનો નાનો ભાઈ બોલી ઉઠ્યો, ‘આ અરવિન્દભાઈ આવ્યા ! અરવિન્દભાઈ, આવો આવો, આમાં કુદવાની મજા પડે છે.’

‘અરવિન્દ’ શબ્દ કાને પડતાં લીલાનાં ચંચળ નયનો તરવરવાં લાગ્યાં. સ્નેહાળ હૃદયે સ્નેહબદ્ધ [૧] હૃદય ખોળી કાઢ્યું. લીલા કેકવૉકમાં ગોળ ફરતી કૂદતી હતી. ઉછરતું વય, નિશ્ચિંતતા, સાંજનો સમય, રમત પછી પૂછવું શું? લીલાના મ્હોં ઉપર લાલાશ, તંદુરસ્તી, આનંદ, સૌંદર્ય છવાઈ રહ્યાં હતાં, ત્યાં અરવિન્દના દર્શને હૃદયમાં ધબકારો કર્યો. નેત્ર, હૃદય મળું મળું કરતાં હતાં ત્યારે શરમમર્યાદા બાલાને અટકાવતાં હતાં. બહાનું કાઢી અરવિન્દ પાસે ગઈ અને બેધડકપણે અન્તરની લાગણીથી અટકી બોલી ‘ક્યારે આવ્યા ? ક્યારના આવ્યા છો ?’

લીલાના શબ્દ, લીલાનાં નેત્ર, લીલાનો ચ્હેરો એ અરવિન્દને મોહમાં નાખવા, ગાંડો બનાવવા બસ હતાં. તેણે હૃદય ઉપરથી કાબુ ખોયો. અને યાદવાતદવા [૨] બોલવા લાગ્યો:

‘થોડીક વાર થઈ ગઈ કાલે–ના, આજે જ હું આવવાનો હતો. ત્હને કેકવૉકમાં ચાલતાં આવડે છે હોં !’

‘ત્હમારા જેવું નહીં. ચાલોને આપણે બે સાથે કુદીએ. મોટા મોટા સાહેબો, મડમો, પારસણો કુદે છે તો પછી આપણને શો વાંધો? હિંદુભાઈઓ તે ન્હાનપણથી જ મોટા બને. ગંભીર–છોકરવાદી નહી પણ બાળકના જેવો આનંદ તો રાખવો.’

બન્ને કેકવૉકમાં ગયાં. લીલા અત્યારસુધી પીતળના સળીયા


  1. ૧. સ્નેહ, પ્રીતિથી બંધાયેલું.
  2. ૨. જેમ ફાવે તેમ.