પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


ચિંતામાં કલાક વહી ગયો ને તરલાના ચહેરા ઉપરનો રંગ બદલાયો. સ્વપ્નામાં કે સંનિપાતમાં એના મોં ઉપર હાસ્ય ફેલાયું, કોમળ કમળશાં નયનો ઉઘડ્યાં અને ચોગરદમ નજર કરી. ડાક્ટર–નર્સ, વસન્તલાલ તરફથી નજર ચંદા તરફ ગઈ અને કાંક હિમત લાવી બોલી- “ચંદાબ્હેન !”

ચંદાબ્હેન એ શબ્દ તરલાના મ્હોંમાંથી નિકળતાં જ ચંદા હૃદયના ભાવ દબાવી, હર્ષ-ચિન્તાનાં આંસુ ખાળતી પવનવેગે તરલા પાસે ગઈ. એના કપાળે હાથ મૂક્યો. એની નાજુક હથેળી હાથમાં લઈ પંપાળવા લાગી ને બોલી, “ તરલાબ્હેન! ઓ બ્હેન ! શું છે બા ! દુધ પીશો ?”

"ભાભી ! હું સ્વર્ગમાં જઈ આવી. પ્રભુએ મને પાછી મોકલી છે. મ્હારી કસોટી થઈ ગઈ. બ્હેન! મ્હારા સુમનને બોલાવોને ! ભૂજંગભાઈ ક્યાં છે? જો જો હોં ! એ આપઘાત ન કરે! વીણાબ્હેન ભૂજંગભાઈને સુખી કરશે. ચંદા ભાભી-બ્હેન ! મને નિરાંત થઈ. તાવ ઉતરી જશે. એ કયાં છે ? કયારે આવશે ? વસન્તભાઈ ! મ્હેં તમને–ભાભીને બહુ હેરાન કર્યાં હો !”

"બ્હેન ! શ્રમ પડશે ! તું અમારે ત્યાં ક્યાંથી ? મારા ચામડાના જોડા કરી પહેરાવું તોયે તારો ઉપકાર ભૂલાય એમ નથી. ડાકટર, જુઓને તરલા બ્હેનને કેમ છે ? હું સુમનલાલને હમણાં જ બોલાવવા મોકલું છું. હાશ! પરમેશ્વરે મારા રંકના સામું જોયું. તરલાબ્હેન ! કેમ છે? સારું થઈ ગયું ! સુમનભાઈ હમણાં આવશે એટલે અમે-”

ફીકી, હાડપીંજરવત તરલાના મ્હોં ઉપર ચંદાના શબ્દે સ્મિત ફેલાવ્યું અને જે ઘરમાં ઘડી ઉપર મૃત્યુની પાંખનો ફફડાટ થતો હતો, જ્યાં યમદૂતો દોડતા હતા, જ્યાં શુમશુમાકાર વર્તી રહ્યો હતો, ત્યાં આશાનાં કિરણો નિકળ્યાં. ડાક્ટર-નર્સના પગ જોરમાં ફરવા લાગ્યા અને કાલ તો જે થાય તે ખરું પણ અત્યારે તો ભયને બદલે આશા, શોકને બદલે આનંદ છવાયો.