પૃષ્ઠ:Tarlaa.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬૭
સ્ટેશન ઉપર.


આજ વખતે પૂલના દાદર માટે ઉતારૂઓમાં ગાળાગાળી, બોલાબોલ ચાલી રહી હતી. બીચારા ઉતારૂઓ એક બાજુથી બીજી બાજુએ જવાની ઉતાવળમાં દોડતા આવતા ત્યાં રસ્તો બંધ છે એમ પોલીસ કહેતો ને એમના હોશ ઉડી જતા. એક લોકલ ચૂક્યા એટલે શું, એનો ખ્યાલ અનુભવીને જ આવે! માત્ર દાદર ઉપરથી ન જવાય એટલા જ માટે સામે આવતી ગાડી ખોવી એનો શો અર્થ ? કેટલાક હોંશીઆર–પક્કા જુવાનો એક બાજુથી બીજી બાજુ જવા પ્લેટફોર્મ ઉપર ફરતા અને પ્લેટફોર્મ ઉપર ફરતા પોર્ટરો-સીપાઈઓની નજર ચુકવી છેડેથી સામી બાજુ જતા. એમ જતાં કોઈ પકડાતા તે પાછા જતા અને લડતા બુમ પાડતા લાંબે રસ્તે જતા. સુમન આ બધો તાલ જોતે જોતો વિચારમાં પ્લેટફોર્મ ઉપર ફરતો હતો, એટલામાં ફાસ્ટ પેસેન્જર આવવાનો ધંટ વાગ્યો. સીગ્નલ પડી, અને પોર્ટરો તથા પોતાના સંબંધીને લેવા આવનારાઓ જાગૃત થઈ ટટાર થયા. સુમનને કોઈ આવનાર નહોતું, એ તે માત્ર ફરતો જ હતો. ફરતાં ફરતાં અપ પ્લેટફોર્મ ઉપરના છેડે આવ્યો અને ત્યાં સામેથી આવતી ગાડી જોતો ઉભો. ફાસ્ટ પેસેન્જરનું એજીન ધસારાબંધ આવ્યું. લોકોની, પોર્ટરોની, સ્ટેશન સ્ટાફની નજર ગાડી તરફ હતી ત્યાં એજીનની આગળ એક જણે કુદકો માર્યો. કુદકા મારવાની સાથે જ ડ્રાઇવરે ડેન્જર વીસલ કરી ને આખા સ્ટેશનમાં એનો અર્થ સમજાતાં ત્રાસ વર્તી રહ્યો. પોલીસ, પોર્ટર, સ્ટેશન માસ્ટર, લોકો, બધાં એમને એમ મૂકી ધસી આવ્યાં. પણ ગાડી ઉભી રહે, મદદ આવી પહોંચે, શું થયું એ જુવે તે પહેલાં સુમન પડનારની સાથે જ કુદી પડયો, અને જીવના જોખમે, ઈજીન આવે તે પહેલાં પેલાને બાવડું પકડી ખેંચ્યો. પેલો માણસ જોમમાં ને જોમમાં પડયો તો ખરો પણ બન્ને બાજુથી ગાડી આવતી જોઈ પોતે એન્જન પાસે છે, મૃત્યુ પાસે છે એ સમજતાં જ ભાન ખાઈ બેઠો અને બેભાન થયો. પોલીસ, પોર્ટરની મદદથી પેલાને ઉપાડી