પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
મેદાનીયા.


ઝાલીને ચાલતી તે અરવિન્દનો હાથ ઝાલી કુદવા લાગી. નાનો ભાઈ પણ કુદતો હતો. બીજા કેટલાક કુદતા, પડતા અને તમાશગીરો હસતા હતા.

‘અરવિન્દ ! ત્હમે પાસે હો છો ત્યારે બ્હીક નથી લાગતી.’

‘મ્હને પણ ત્હારા સંગાથમાં કાંઈ લાગતું નથી’ આટલું બોલે છે ત્યાં લીલાના ચહેરા ઉપર અમુક ભાવ દેખાયો અને અરવિન્દ બોલતાં અચકાયો. લીલાના મ્હોં ઉપર આનંદ નહોતો.

‘“લીલા ! શું થાય છે ? હરકત ન હોય તો કહે !’

“ત્હમને કહેવાની હરકત? હં, પણ ત્હમે હજી માશીને મળ્યા નથી ખરૂં ? એ ઉભાં, એમને ઘણું કહ્યું પણ ‘હવે ઘરડે ઘડપણ મારે તે શાં કુદવાં !’ કહી ન આવ્યાં.”

અરવિન્દ તરત જ માશી પાસે ગયો.

“આવો, અરવિન્દભાઈ ! ઘણે દહાડે દેખાયા. આ તમારી લીલા. જુના દિવસો સાંભરે છે કે? લીલુડી કહીને બોલાવતા તે ?”

અરવિન્દને કૉલેજના દિવસો–આ જ લીલાને રમાડતો, ખીલવતો, તે દિવસો–સાંભર્યા. લીલા પાછી આનંદમાં આવી ગઈ હતી. નાના ભાઈ સાથે કુદતી હતી ત્યાં અરવિન્દ પાછો આવ્યો.

“ત્હમને ગામડાંમાં કંટાળો નથી આવતો?”

“બીલકુલ નહી. ખેતર વગેરેના કામમાંથી પરવારતો નથી અને ત્યાં કંટાળો આવે એવું કાંઈ નથી.”

“ત્હમે ક્યાં સુધી મુંબાઈ રહેવાના છે ?”

“હજી કાંઈ નક્કી નથી.”

“એ કેમ બને ? કેમ નક્કી નથી ?”

“કારણ ક્યારે જવું એનો આધાર ત્હારા ઉપર છે.”

અરવિન્દ બોલતાં બોલી તો ગયો, પણ એમ થઈ ગયું કે ન બોલ્યો હોત તો સારું. લીલા એકદમ મુંગી થઈ ગઈ ને વિચારવા લાગીઃ ‘મ્હારા ઉપર આધાર ? મ્હેં શું કર્યું છે? મ્હેં કાંઈ બોલાવ્યા