પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


તેમાં પણ પુરૂષ વિનાની સ્ત્રીઓનું જીવન નિરસ જ. અરે સુમનભાઈ ! જે સમયે એમને પ્લેટફોર્મ ઉપર મેં જોયા, જે સમયે ફાનસના પ્રકાશમાં એમનો ચહેરો ઓળખ્યો તે વેળા મ્હને શું થયું હશે તે મારું મન જ જાણે છે. સુમનભાઈ ! તમે મ્હને મ્હારા ભૂજંગને પાછો આપ્યો છે. અને આ રંક અબળાની અંતઃકરણની દુવા છે કે તરલાબ્હેન જીવશે અને એમની સાથે આનંદમય જીવન તમે ગાળશો. પણ ભાઈ ! તે વખતે આ રંક બ્હેન, આપના જીવનમાં વિષ રેડનાડ-દુ:ખ કરનાર છે એમ ન માનતાં તેના તરફ પ્રેમથી જોજો.”

વીણાના લાગણીભર્યા શબ્દથી સુમનનું હૃદય ભરાઈ ગયું, તે બોલ્યો: –

"વીણા બહેન! મ્હેં તમને જોયાં હતાં, તમારું નામ સાંભળ્યું હતું, પણ પ્રત્યક્ષ વાતનો આજ જ પ્રસંગ બને છે. બ્હેન ! ભૂજંગલાલ છે એમ જાણીને તો કદાચ હું નએ બચાવત એમ ભૂતકાળના મ્હારા વિચારથી મને લાગે છે; પણ તરલાની મૃત્યુશય્યા મારા મગજમાં તાજી હતી. આ એક મનુષ્ય મરતાં એની પત્નીનું શું થશે એ વિચાર સૂઝ્યો. ચર્ચગેટના પૂલ ઉપરથી હું જ આપઘાત કરવા તૈયાર થયો હતો તે લાગણી ફરીને મારા હૃદયમાં ભૂજંગલાલને પડતા જોઈ થઈ આવી, અને જે કામ ચંદાબ્હેનની કીકીએ ચર્ચગેટના પૂલ ઉપર કર્યું તે જ કામ મ્હેં ગ્રાન્ટરોડ ઉપર કર્યું. બ્હેન ! ભૂજંગલાલ મ્હારો બંધુ છે. ભૂજંગલાલ્ નહોત તો તરલા પ્રત્યે ભવિષ્યમાં હું બ્હેમાત અને અમારું જીવન ધૂળ થવા વખત આવત. ભૂજંગલાલને લીધે જ-જીવનના આ બનાવને લીધે અમે વધારે શુદ્ધ થયાં, અને પરમેશ્વર કરે ને તરલા જીવે તો અમારું જીવન વધારે ઉન્નત થશે ! અમે વધારે સદુપયોગી જીવન ગાળી શકીશું, અને એ ઉપકાર ભૂજંગભાઈનો જ ને? પણ ઓ દીન ક્યાં? હું અહીં સુખના સ્વપ્નાનો વિચાર કરું છું ને મ્હારી તરલા કોણ જાણે હશે કે કેમ ....'