પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રકરણ ૩ર મું.

વીણા અને ભૂજંગ.

પોતાની પ્રિય પત્ની તરલાનું છેલ્લું મ્હોં જોવા સુમન રાતની છેલ્લી લોકલમાં દાદર ગયો ને હોટલમાં ભૂજંગ-વીણા એકલાં પડ્યાં. વીણા સુરતથી પોતાના ભૂજંગને બચાવવા, એને મેળવવા આવી હતી. વીણાએ ભૂજંગલાલના જીવનમાં ઘણો ફેરફાર કર્યો હતો અને વીણા જેમ જેમ ભૂજંગલાલને સમજાતી ગઈ તેમ તેમ ત્હેનો ભાવ પણ વધતો ગયો. તરલા બ્હેનને છેલ્લાં મળવાનો ઉદેશ હતો. ત્યાં સ્ટેશન ઉપર જ અકસ્માત જોયો. પોતાના જીવનને લૂટાતું જોયું અને વીણાનું હૃદય વધારે કોમળ બન્યું.

“ભૂજંગલાલ! હજારને આપઘાત કરાવનાર તમે આપઘાત કરવા તૈયાર થયા એ શું ?”

"વીણા! વીણા ! જુના ભૂજંગ અને નવા ભૂજંગમાં ફેર છે જોં. મ્હારાં જુનાં કુકૃત્યો સંભારું છું ત્યારે મને એમજ થાય છે કે આપધાત એજ ઉત્તમ રસ્તો છે. વીણા! યુવાનીના મદમાં, ઘરકેળવણીના અભાવે કેટલાં યુદ્ધ કર્યા હતાં અને કરવા ફાંફાં મારતા હો તે સંભારતાં કમકમાટી ઉપજે છે. વીણા! લીલા-તરલા જેવી અનેક સાધ્વીઓને મ્હેં હેરાન કરી-અરે નિર્દોષ બાળાઓને ટીકાપાત્ર બનાવ્યાં. સ્નેહલગ્નને નામે, મોટી વયે મળી વિવાહ કરવાના વિચારો ઉત્તમ હશે પણ તે જેમનાં મન અને નીતિબળ ઉંચાં છે તેમને માટે હોં. અમારા જેવા તો માત્ર બાહ્ય સુંદરતા જ કે પૈસાથી મોહીયે છીએ. એક ન ગમી કે બીજીને લલચાવી, પણ આત્મા-હૃદયની કોમળ લાગણીનો વિચાર જ કરતા નથી. વીણા, એક તું મળી જ્યાં મ્હારૂં ન ચાલ્યું !”