પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૧
તરલા અને સુમન.


ભૂજંગની કસોટી લેવા જ હૃદયની લાગણી દબાવી એને ટળવળાવ્યો હતો. તે સઘળું યાદ આવતાં વીણાને સ્નેહ જાગૃત થયો, અને આજ પિતા-માતાની સમક્ષ લગ્નનું નક્કી થતાં હદયનો આનંદ બહાર દેખાવા લાગ્યો. લીલાને પૂછયા વિના, તરલા પાસેથી હકીકત જાણ્યા વિના હા નહિ કહું કહી દિવસો ને દિવસો લંબાવવા જેને જરાપણ હરક્ત નહોતી નડી તે જ વીણા આજ અધીરી થઈ ગઈ. ક્યારે લગ્ન થાય, વળી કાંઈ વિઘ્ન આવશે તો? મુહૂર્તની શી જરૂર છે, અમૂક જ મહિનામાં કે તિથિએ કામ થાય એમ શા માટે ? હૃદયને જોડવામાં મુહૂર્તની જરૂર શી એમ થયું. પણ શું કરે? વીણા-બહાદુર-નિડર વીણા આજ ઢીલીધમ થઈ ગઈ. હૃદયની લાગણી અમૂક કાળને માટે આજસુધી રોકાઈ રહી હતી તે એક સામટી ઉભરી નીકળી અને ચિંતાતુર-અસ્વસ્થ બની.


પ્રકરણ ૩૩ મું

તરલા અને સુમન.

સુમનલાલને ચીઠી મળતાં જ એ તરલાને મળવા વાયુવેગે દોડ્યો. થોડા દિવસ ઉપર તરલાના મંદવાડની ખબર મળતાં તરલાનો ઢોંગ માનનાર, વીણાના તારથી ક્રોધે ભરાનાર સુમન આજ તરલાની જીવવાની આશાથી હર્ષઘેલો થયો હતો. નિરસ સંસાર રસમય લાગવા લાગ્યો અને હવે તરલા ક્યારે સાજી થાય? ક્યારે તેને લગ્નથી પત્ની બનાવું? અને ક્યારે સહજીવન ગાળું ? એમ થવા માંડયું. દાદર ઉતર્યો. ગાડી કરી વસન્તલાલને બંગલે ગયો અને પગથીયાં કુદતો તરલાની ઓરડીમાં તેની પથારી પાસે ગયો. ચંદા અને વસન્તલાલ પથારી પાસે બેઠાં હતાં અને તરલાને કપાળે હાથ ફેરવતાં હતાં. તરલાની ફીકી, નિસ્તેજ પણ સ્નેહભર આંખો બારણા તરફ જ હતી. સુમનને