પૃષ્ઠ:Tarlaa.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૫
તરલા અને સુમન.

 નવરા અને નિંંદાખોર લોકોએ બન્નેને જ બત્રીશીએ ચડાવ્યાં હતાં, પણ છેવટે એ પવિત્ર ઠરી અને ભૂજંગ–વીણાનું જોડું લોકોની અદેખાઈ કરાવવા લાગ્યું.

આ લગ્ન વખતે લીલા -અરવિન્દને ખાસ બોલાવવામાં આવ્યાં હતાં. પરંતુ હમણાં જ સુવાવડમાંથી ઉઠેલી લીલા આવી શકશે કે કેમ તે શક હતો. ચંદા તો તરલાનું લગ્ન જાણી અધીરી બની હતી. કેમ જાણે પોતાની એકની એક છોકરી પરણતી હોય તેમ આખા કુટુંબ સાથે ગામ પહેલી દોડી આવી હતી. આવતાની સાથે જ સુમનને મળી અને બોલી, “સુમનભાઈ! ચર્ચગેટના પુલ ઉપર જવું છે ? સોલીસીટરની સલાહ લેવી છે? ઢોંગી તરલાને લઈને શું કરશો?"

"ચંદા બ્હેન ! કરો મશ્કરી, તમારો વખત છે, પણ હવે હું તમારી તરલાને તમારી પાસે ઘડી રહેવા દેવાનો નથી. તરલા હવે ઉર્મિનો આવેગ નથી પણ ઉર્મિનું શાન્ત મીઠું ઝરણું છે. તમે બહુ રાખી. હવે મને એ ઉર્મિના ઝરણમાં શાન્ત થવા દો. ચંદા બ્હેન! તમે કર્યું છે તેવું કોઈથી નહી થાય તો. અમે પુરૂષ કહીયે છીએ એટલું જ. ખરી ઇર્ષ્યા-ખરો વ્હેમ તો અમારો જ હોય છે.”

“વારૂ, ભૂજંગભાઈના લગ્નમાં જશો કે ?”

“શામાટે નહિ ? ભૂજંગને તરલાએ ભાઈ માન્યો છે તે એના ભાઇના લગ્નમાં અમારે જવું જોઈએ. ચંદાબહેન, વીણા જેવી પણ મજબૂત મનની સ્ત્રીઓની ઓછી જરૂર નથી. તરલા લીલા જેવી કોમળ સ્ત્રીઓ ભૂજગને કદાચ પડતાં અટકાવી ન શકત, પણ વીણાએ તો કોમળ રહી હૃદયબળ જાળવી એક સ્ત્રીને યોગ્ય કાર્ય કર્યું છે. એને હજાર વાર ધન્યવાદ છે.”

બીજી બાજુ કિશોરીલાલને ત્યાં અને નંદાને ત્યાં લગ્નની ધમાલ ચાલી રહી હતી. નંદાનો એકનો એક પુત્ર ભૂજંગ પરણતો હતો. પરંતુ નંદા બરાબર સમજતી હતી કે પહેલાનો ભૂજંગ અને આ ભૂજંગમાં ફેર હતો. ફેશનેબલ નંદા-યુવાવસ્થામાં સોસાયટી વુમન ગણાતી નંદા-પોતાના