પૃષ્ઠ:Tarlaa.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૧
લગ્ન પછી.


થઈ હતી, અને હવે તો કેવળ શુદ્ધ સ્નેહનાં જ બીજ વવાયાં હતાં. આ પરણનાર જોડાંને રૂપનો, દ્રવ્યો કે સત્તાનો મોહ નહોતા. તેઓ કસોટીમાંથી પસાર થયાં હતાં અને અત્યારે તો માત્ર લગ્નથી પવિત્ર બનવા ઉત્સુક હતાં.

લગ્નની ધાર્મિક ક્રિયા થઈ, શાસ્ત્રના પવિત્ર મંત્રના ઘોષ કાને પડ્યા, સ્નેહીજનોના આશિર્વાદ સાંભળ્યા, હૃદયના છૂપા ભાવો વિકસ્યા અને દંપતિ યુગ્મો અને થનાર દંપતિઓને આદર્શરૂપ લાગવા લાગ્યાં.

પહેલે જ દિવસે સુરતમાં આ દંપતિઓની પાર્ટી યોજાઈ. સુરતમાં ગામબ્હાર લાઈન્સના મેદાનમાં એક વિશાળ બંગલાના ચોગાનમાં કૌમુદી ખીલતાં બહાર ટેનીસ કોર્ટમાં એક નાનું ટેબલ અને સાત આઠ ખુરશીઓ ગોઠવાયાં. નાનાં બાળકો આમતેમ કુદતાં રમતાં આનંદ કરતાં હતાં. રાત્રીના નવ વાગવાને શુમારે બંગલામાંથી મિત્રો-યુગ્મો નિકળ્યાં. ચંદા, તરલા, લીલા, વીણાનું ટોળું હસતું–એક બીજાની મશ્કરી કરતું, ટેનીસ કાર્ટ ઉપર પહેલું આવ્યું અને બેઠું. તેમની જ સામેની ખુરશીઓ ઉપર વસન્તલાલ, સુમનલાલ, અરવિન્દ અને ભૂજંગલાલ બેઠા. નાનો કીકો ઘડીકમાં કાકા તો ઘડીકમાં માશીઓ પાસે જઈ દોડાદોડ કરતો હતો. ટેબલ ઉપર સફેદ બરફ જેવી ચાદર પાથરી હતી, અને તાસકોમાં બરફી, ચેવડો, બટાટા, મેવો પડ્યો હતો અને પાસેની નાની ગોળ ટેબલ ઉપર પાણીના લોટા પડ્યા હતા. ટેબલ ઉપર પડેલી વસ્તુઓનો ઉપયોગ થતાં થતાં કીકા પાસે ગવરાવવાની દરખાસ્ત મુકાઈ અને નાનો કીકો -કાકી માશીઓનો લાડિલો કીકો-ગાવા તૈયાર પણ થયો. કીકાનું મધૂર ગાયન સાંભળી સર્વત્ર શાંતિ પ્રસરી અને બેઠેલાં મિત્રમંડળ ઉપર સ્નેસામ્રાજ્ય પાથર્યું. પ્રથમ જ ચંદા બોલી, “બ્હેન તરલા ! આજની આ પાર્ટી માટે પ્રભુનો જ ઉપકાર માનવાનો છે. અરેરે ! આપણે પણ ઓછી વિટંબણા નથી સહી ! તરલાબ્હેન! આખરે મારા સુમનભાઈ જ ગમ્યા અને મેળવ્યા ત્યારે રહ્યાં. ”