પૃષ્ઠ:Tarlaa.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯૫
લગ્ન પછી.


સુધારો શો ખોટો ?” એટલામાં કીકી રમતી રમતી આવી ને બોલી, “વીણા માશી, ચાહ ટાઢી પડે છે. હવે તમારાં ભાષણ બંધ કરો. અમને તો ભૂખ લાગી છે.” વાત બંધ રહી ને બધાં ટેબલ તરફ ગયાં. સુમન-તરલા, ભૂજંગ-વીણા, અરવિન્દ-લીલા અને વસન્તલાલ અને ચંદાનાં જોડાં ટેબલની આસપાસ ઉભાં રહ્યાં. આજ બધાનાં હૃદયમાં આનંદ છવાયો હતો. દરેક યુગ્મે જીવનમાં કાંઈક સહન કર્યું હતું અને એટલે જ આજ એમનાં હૃદય વધારે સંયોજાયાં હતાં. સુમન-તરલાને એમજ થતું હતું કે રખેને એક બીજાં વળી છૂટાં પડે! એમના હૃદયની વાત હૃદય સમજતાં હતાં. ચંદા અને વસન્તલાલ પ્રમાણમાં વૃદ્ધ હતાં છતાં પોતાની આસપાસ સ્નેહાળ દંપતિઓ જોઈ અને એ દંપતિઓમાં સ્નેહ ખીલાવવામાં પોતે ભાગ ભજવ્યો હતો તે જાણી આનંદ પામતાં હતાં. અને એમજ માનતાં હતાં કે નવા સંસારમાં છોકરાંને સુખી કરવા હોય તો તેમને બરાબર કેળવી, યોગ્ય વયે તેમની સંમતિથી લગ્ન કરી, ઉમર-અધિકારના પ્રમાણમાં છૂટ આપતાં જવું ને દૂરથી સુખી જોઈ આનંદ પામવું. અરવિન્દ અને લીલાનાં હૃદય એકદમ શાન્ત હતાં. એમના સ્નેહમાં પડું પડું થતી આફત જુગલભાઈના મૃત્યુએ દૂર કરી હતી અને એમના સ્નેહની ગાંઠ મજબૂત કરવા બાળક જન્મતાં કાઠિયાવાડમાં જઈ સરળ–શાન્ત જીવન ભોગવવા ઉત્સુક થયાં હતાં.

ભૂજંગલાલના ઉપર સૌથી વધારે અસર થઈ હતી. પોતાની સમક્ષ પોતાનો પૂર્વાશ્રમનો ભૂજંગ લાવતો હતો અને લીલા, તરલા અને વીણાને સરખાવતો હતો. પોતે લીલા-તરલાને પરણત તો સુખી થાત કે અત્યારે સુખી છું એનો વિચાર થયો. અને એને એમ થયું કે મ્હારે પુત્રી હોય તે હું પહેલાના ભૂજંગલાલને ન આપું.

હું લીલાના જીવનમાં વિષ રેડત, તરલાને સંસાર દુઃખી કરત. મ્હારા જેવાને તો વીણા જ જોઈએ. સ્ત્રીઓમાં એવી અજબ શક્તિ છે કે જે તેઓમાં નીતિબળ-વિદ્યાબળ અને મનોબળ હોય તો પતિને