પૃષ્ઠ:Tarlaa.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


આજ જ લગ્ન થયાં હોય તેમ અરવિન્દને સંતોષ થયો.

'ત્હારી વાઈફે કહ્યું? હે ! ના, ના, હોય નહિ. ખરે ત્હારી સ્ત્રી કોઈ દેવી જ છે, એમ મને લાગ્યા કરે છે. બસ, મારે એટલું જ જોઈએ છીએ.' આટલું કહેતાં અરવિન્દ ઉભો થયો. એને ઉશ્કેરાયેલો જોઈ વસન્ત બોલ્યો,

'જરાક ધીમો પડ, બેસ, ખૂરશી ઉપર.' પણ અરવિન્દે એ દરમિયાન આખા ઓરડામાં ચાર પાંચ આંટા માર્યા ને પછી બેઠો . 'વસન્ત ! તું નથી સમજતો કે લીલાને માટે મ્હને શું શું થાય છે. મ્હારી લાગણી ત્હમે જેને સ્નેહ કહો છો તે કરતાં વધારે તીવ્ર અને ઉંચી જાતની છે. પરમેશ્વરની કૃપાથી મારા ભાગ્યમાં એ સુખ લખ્યું હોય ને મળે તો મ્હારા જેવું કોઇ સુખી જ નહી એમ માનું. લીલામાં જ મારું જીવન સમાયેલું છે. જેમ બને તેમ લગ્ન વહેલાં નક્કી થાય તો જ મને આરામ મળે.'

વસન્તે થોડી વાર વિચાર કરી કહ્યું,

'અરવિન્દ ! તું ભૂજંગલાલને ઓળખે છે ?'

'ના, એને આ વાતની સાથે શો સંબંધ છે?'

'એ ત્હારો હરીફ છે.'

'હરીફ' શબ્દની સાથે લીલા પારકી થતી લાગી. લીલા ગઈ એમ ધ્રાસકો પડ્યો. રૂવાટાં ઉભાં થયાં.

'ભૂજંગાલ, નામ તો સારું છે. ભૂજંગલાલ! સાપલાલ ! સાપની માફક એ જેને કરડતો હશે તેને ઘેનમાં તલ્લીન કરતો હશે. ભૂજંગની પેઠે એની પાસે મણી હશે. એ કોણ છે ?'

'એ આપણી જ જ્ઞાતિનો છે. જાગીરદાર, પૈસાદાર, ધનાઢય છે, જે. પી. છે. ઘણુંખરું સુરત રહે છે, પણ મહિનામાં બે ચાર વાર અહીં આવે છે. મુંબઈમાં એક સોસાયટી એવી નહી હોય જેમાં એ મેમ્બર નહી હોય, એકે મીટીંગ એવી નહી હોય જેમાં એને આમંત્રણ નહી હેય. પુષ્કળ પૈસો છે, શરીરે ઉચો, બાંધી દડીનો, ગૌર વદનનો છે,