પૃષ્ઠ:Tarlaa.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
આ કે તે?

સરળતા સાચવવા સત્યપંથે ચાલવા પશ્ચાત્તાપ કરી નિશ્ચય કરે તો પતિતપાવન પરમેશ્વરની આજ્ઞા મુજબ એને ક્ષમા આપવી, એનું જીવન સુધારવા તક આપવી. પણ તમે કહો છો તેમ થવા તો ન જ દેવાય. એકાદ કોઈ મહાત્મા સ્વર્ગીય સ્નેહને લીધે કે એવા જ કારણથી પરિણીતાને ત્યજી અન્યની સાથે સંબંધ બાંધે, પણ તેથી જનસમાજને એ દષ્ટાન્તરૂપ નથી–ન થવું જોઈએ.'

'ત્હારે મન તો લગ્ન શિવાય બીજો સ્નેહ હોઈ શકે જ નહી.'

'ના, અને તે પણ સત્ય પૂછાવો તો એક જ વાર. પત્ની છતાં, સાથે વર્ષોનાં વર્ષો ગાળ્યાં છતાં, કેવળ લાગણીથી દોરાઈ અન્ય સાથે સંબંધ બાંધવો એને સ્નેહ કેમ કહેવાય? એ પ્રભુના ફરમાનનું, નીતિના નિયમનું અપમાન છે.'


પ્રકરણ ૮ મું.
આ કે તે?

લીલાને અઢારમું વર્ષ બેસી ગયું અને વયની સાથે સૌંદર્ય પણ ખીલ્યું હતું. ન્યાત જાતમાં, પાર્ટીમાં, મીજલસમાં, ગરબામાં લીલા તરફ બે ઘડી બધાં જોઈ રહેતાં. એની બન્ને બહેનોથી લીલા વધારે ખુબસુરત છે એમ લોકમત હતો. મોટી વયની કન્યા માટે જ્ઞાતિબંધનને અંગે યોગ્ય વર ખાળવાની ઘણી મુશ્કેલી હોય છે. જ્ઞાતિબંધનના બંધ નબળા પડવા માંડ્યા છે, પરંતુ હજી તૂટે એમ નથી–તોડવાની હિંમત નથી–તોડ્યાથી ઉત્પન્ન થતી કેટલીક અગવડો સહન કરવાનું બળ નથી. આ ઉપરાંત પરણાવવાને બદલે પરણવું દાખલ થતું નથી. કન્યાઓને કેળવાય, મોટી કરાવાય પણ આખરે પરણાવવાની, એમની જરાયે સંમતી ન લેવાની, એટલે પરિણામે ઘણી વાર કન્યાને-સ્ત્રીને સોસવું પડે છે. સંયોગો, શક્તિ અને હિંમતના પ્રમાણમાં જ પુત્રીઓને કેળવાય,