પૃષ્ઠ:Tarlaa.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


લગ્નની ઉમર વધારાય અને વર ખોળવામાં આવે તો જ હાલની સ્થિતિમાં કન્યા સુખી થાય. લીલાના સદ્દભાગ્યે એનાં માતા પિતા સુધરેલા વિચારનાં હતાં એટલે જ લીલાને કાંઈક સ્વતંત્રતા હતી. પરંતુ આ સ્વતંત્રતા એને દુઃખકર થઈ પડી. લીલાને બાલ્યાવસ્થાથી અરવિન્દ પરિચિત હતો. કુટુમ્બમાં અરવિન્દ ભવિષ્યનો જમાઈ મનાયો હતો, અને અરવિન્દ અચાનક મુંબાઈમાંથી જતો રહ્યો ત્યાંસુધી સર્વ એમ જ માનતાં કે લીલા અરવિન્દને જ વરશે. અરવિન્દ ગયો અને દુનિયારૂપી નાટકની ભૂમિ ઉપર ભૂજંગલાલ આવ્યા. જે સ્થાન અરવિન્દે લીધું હતું તે સ્થાન ભૂજંગલાલે લીધું.

જે સમયે અરવિન્દ મુંબાઈમાં હતો અને વારંવાર આ કુટુંબમાં આવતો જ, લીલાને મળતો તે વખતે કુટુમ્બનાં સર્વ જનો 'લીલા-અરવિન્દ' 'અરવિન્દ-લીલા' ની જોડીની વાતો કરતાં નેમશ્કરી કરતાં. લીલાનો પિતા તો અરવિન્દ જેવો સુપાત્ર વર લીલાને મળવા માટે પ્રભુનો ઉપકાર માનતો, પરંતુ લીલાની માતાને અરવિન્દ્ર પ્રત્યે સદ્દભાવ નહોતો. એ ચોખે ચોખી ના તો કહી શકતી નહી પણ હજી વાર છે, 'લીલા હજી બાળક છે,' 'થઈ પડશે' એમ બહાનાં કાઢી વિવાહની વાત અળસાવતી. ખરું પૂછાવો તો આ માત્ર બહાનાં હતાં. અરવિન્દને બદલે કોઈ દેખાવડો, દમામવાળો, ફેશનેબલ, સોસાયટીમાં જ આવતો પૈસાદાર વર હતે તો તે જ દિવસે લગ્ન કરવા લીલાની માતા તૈયાર થાત. આમ લીલાના વિવાહ સંબંધી ચર્ચા ચાલતી હતી ત્યાં અરવિન્દ' એકાએક ચાલ્યો ગયો અને લીલાની માતાએ દેવને દીવા કર્યા. એને ના કહેવાની પીડા પતી એમ લાગ્યું. આજ અરસામાં ભૂજંગલાલનો પરિચય થયો ને બન્નેની સરખામણી થઈ અને ભૂજંગલાલનું ત્રાજવું ભારે થયું.

અરવિન્દ થોડાબોલો હતો. એને કડોળ દમામ ગમતો નહોતો, આ જ સદ્દગુણો દુર્ગણો લેખાયા. પૈસાના મદે અભિમાન આવ્યું છે એટલે બીજાની સાથે બોલવામાં હિણપત માને છે એમ લાગતું.