પૃષ્ઠ:Tarlaa.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
આ કે તે?


ગામડાના રહેવાશીને, બળદ, ભેંસ, ગાયમાં ઉછરેલાને શહેરના રીતરીવાજ ક્યાંથી આવડે ? જંગલી જેવો જ હોય એમાં શી નવાઇ? એમ ઉદ્દગારો નિકળતા. અરવિન્દ દરરોજ આવતો, કુટુમ્બનાં સઘળાં માણસો સાથે બોલતા, વાતો કરતો, પરંતુ લીલાનું માગું કરતાં સ્વીકારાશે કે કેમ એ શંકાથી ખંચકાતો. અરવિન્દની આ આનાકાની, અપશંકા, આ અભિમાન મોટા કુળના ગર્વને લીધે છે એમ ધારવામાં આવી.

આથી ઉલટું ભૂજંગલાલ એકદમ પસંદ પડી ગયો. દ્રવ્યવાન હતો, બુદ્ધિશાળી હતો અને પોતાના જેવું જ ઉંચું કુળ હતું. ભૂજંગલાલ જ્યાં જતો ત્યાં માન પામતો. એની વાતમાં રસ હતો, એના હસવામાં મોહ હતા, એના ચહેરામાં–એની દરેક હિલચાલમાં આકર્ષણ હતું. અરવિન્દ અને ભૂજંગાલમાં કેટલો ફેર ! ભૂજંગલાલ જેવો જમાઈ મળે પછી શી વાત ! પરંતુ જ્યાં સુધી લગ્ન થયું નથી ત્યાં સુધી કાંઈ જ નહી માની, લીલાની માતા ભૂજંગલાલનું નક્કી કરવા તલપાપડ થઈ રહી હતી, અને એની ચિંતામાં વધારો કરવા જ અરવિન્દ પાછો આવ્યો. લીલા સાંજના દરરોજ બેંડસ્ટેન્ડ કે ચોપાટી ફરવા જતી અને એટલા જ માટે પોતાના ઓરડામાં જઈ વાળ ઓળી, લુગડાં પહેરી નીચે ઉતરી. દાદરનું છેલ્લું પગથીયું ઉતરે છે ત્યાં નોકરે ખબર આપી “અરવિન્દ કુમાર આવ્યા છે.”

લીલાના પિતા ઓરડામાં કાંઈ લખતા હતા અને લીલાની માતા ઘરકામમાં રોકાઈ હતી.

લીલાના મગજમાં ચોપાટી, બેન્ડસ્ટેન્ડ, ભૂજંગલાલ ભમતાં હતાં. અરવિન્દના નામે તાર તોડ્યો અને મગજ અસ્વસ્થ થઈ ગયું. અરવિન્દ, ભૂજંગલાલ, આ બેમાંથી કોને ના કહેવી? અરવિન્દ ! કોણ જાણે કેમ મ્હારા હૃદયને ગમે છે પણ ભૂજંગલાલ મ્હારી દષ્ટીને ગમે છે. હૃદયને ગમે તે રાખું કે નયનને ગમે તે રાખું ?