પૃષ્ઠ:Tarlaa.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
આ કે તે?


અરવિન્દ આટલું જ બોલી લીલાના ઉત્તરની રાહ જોતો–પોતાના શબ્દોની શી અસર થાય છે તે જોતા બેસી રહ્યો.

લીલાની સ્થિતિ વિચિત્ર થઈ. એ ઉંચું તો જોઈ શકી જ નહી પણ હાલીચાલી પણ ન શકી. અરવિન્દ બાલ્યાવસ્થાથી માતાપિતાએ આપેલું આશાસ્થાન પોતાનું થશે એ વિચારે લીલાનું હદય ડોલવા લાગ્યું. એના આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. અરવિન્દ આમ માગણી કરશે અને એ માગણીની એના હૃદયમાં આવી ચાદની છવાશે એમ લીલાને સ્વને પણ ખ્યાલ નહોતો. પણ આ અસર એક પળવાર જ ટકી. પીસ્તોલના ધડાકા સાથે પડદો ચીરાઈ બીજો દેખાય, એક ફીલ્મ ખસી બીજી ફિલ્મ આવે તેમ અરવિન્દ-પ્રત્યક્ષ અરવિન્દની આગળ અને લીલાની નજરે ભૂજંગલાલની મૂર્તિ ખડી થઈ. ભૂજંગલાલ માનસિક દૃષ્ટિમાં હતો, અરવિન્દ કરતાં ભૂજંગલાલનું મોહક વદન, ભૂજંગલાલની સ્નેહભર આંખો લીલાને ઢીલી બનાવવા બસ હતાં. લીલાની આંખમાં ઝળઝળિયાં આવ્યાં અને નીચે મ્હોંયે પણ દઢ ચિત્તે બોલી.

'એ નહી બને, ક્ષમા કરો.'

જે લીલા એક પળ પહેલાં પોતાની હતી, જેનું સ્પર્શસુખ પોતે માનસિક રસસૃષ્ટિમાં ભોગવતો હતો, તે જ લીલા અને પોતાની વચ્ચે વિશાળ સમુદ્ર હોય, એ લીલાને સ્પર્શ કરવો, એ લીલાનું નામ દેવું, એને એકાન્તમાં મળવું, એ પણ પાપ છે એમ અરવિન્દને લાગ્યું.

'હું જ મૂર્ખો!' એટલું બોલી અરવિન્દ નીચે ઉતર્યો.