પૃષ્ઠ:Tarlaa.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
બે હરીફ.

 'એવું કાંઈ જ નહીઃ નિરૂદ્યમી ને નિરસ લાગે, તે તો શહેરમાં પણ એજ.'

આમ વાતો ચાલી. આ વાતમાં વિનોદ, ભૂજંગલાલ અને માતાને રસ પડતો. લીલા ભૂજંગલાલને ચહાતી, પણ પોતાના પ્રિય અરવિન્દને વિનોદ ચ્હીડવતી તે જરાયે ગમતું નહિ. અરવિન્દને જવાનું મન હતું, પરંતુ એ એટલા નબળા મનનો હતો કે જવાની રજા માગતાં પણ ગભરાતો. એટલામાં લીલાનો પિતા અંદર આવ્યો, અને એકદમ અરવિન્દ્ર પાસે ગયો. 'ઓહો! અરવિન્દ ! ત્હમે કયારના આવ્યા છો ? મ્હને કેમ કહેવરાવ્યું નહી ? મારા રૂમમાં આવવું હતું. મ્હને ખબર જ નહી, તમે આવ્યા તે ઠીક થયું. આજ અહીં જ રહેજો.

લીલા પોતાના પિતાના સામું જ જોઈ રહી હતી. એક વખતના પ્રિય અરવિન્દને પિતાને આમ સ્નેહથી બોલાવતા જોઈ વિચાર કરવા લાગી. 'પિતા એમ માને છે કે હું અરવિન્દની થઈશ! અરેરે ! મ્હારી ના કહેવા પછી પિતાનો આ સત્કાર એમને કેવો લાગતો હશે! ભૂજંગલાલને ના કહું, ભૂલ સૂધારૂં? આ વિચાર કરે છે ત્યાં હૃદયમાં પવિત્ર વિચાર આવતાં સેતાન, પાપવૃત્તિ બળવાન થાય તેમ ભૂજંગલાલ આવ્યો ને લીલાની નજરેથી–હૃદયમાંથી અરવિન્દ ખસી ગયો.

આવતા અઠવાડીયામાં સંગીત પારી છે એ વાત ચાલી. 'લીલા ! એ સંગીત પાર્ટીમાં આવશો ને ?' આટલા શબ્દ અરવિન્દને કાને પડ્યા. અરવિન્દને હવે અહીં રહેવું એ ભારે થઈ પડ્યું. જેને માટે સ્વર્ગ છોડી નર્કાપૂરીમાં આવ્યું હતું, જે આશાને લીધે જીવન હતું તે આશા નષ્ટ થઈ–તે લીલાએ ના કહી–પછી પોતાની જ સન્મુખ પોતાની પ્રિયને અન્યની સાથે હાસ્યવિનોદ કરતી કેમ જોઈ શકાય? જતાં જતાં અરવિન્દે પાછું જોયું. લીલા અને ભૂજંગલાલ વાત કરતાં હતાં, હસતાં હતાં અને ત્હેની સામું જોતાં હતાં. શંકિત હૃદયને એમજ થયું કે એ ત્હેને બનાવતાં હતાં. ભૂજંગલાલ તો બનાવે, પણ લીલા! એક વખતની પ્રિય લીલા, ત્હેને ચાહનારી લીલા પણ બનાવે ! કોણ સાચું? શું સાચું ?