પૃષ્ઠ:Tarlaa.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
તરલા અથવા ઉર્મિનો આવેગ



પ્રકરણ ૧૦ મું.
ભૂજંગલાલ

ભૂજંગલાલે ગૃહજીવનનો બીલકુલ્ અનુભવ લીધો નહોતો. એમના મનથી તો ઘર એ એક જાતની બેડી હતી. મરજીમાં આવે ત્યારે અને ફાવે ત્યાં ફરવું, એ જ ઉચ્ચ જીવન માનતો. અને દુર્ભાગ્યે સંયોગો પણ એવા જ મળ્યા હતા. ભૂજંગલાલની માતા નંદા યુવાવસ્થામાં અત્તરભરી રહેતી, એક એક કીમતી સાળુ રોજ બદલતી, રસ્તામાં જતાં ઉંચા અત્તરથી ચોગરદમ સુગંધ ફેલાવતી, અને અનેક ભમરા એ સુગંધથી આકર્ષાઈ ફરતા. ભૂજંગલાલનો જન્મ થતાં જ પતિ ગુજરી ગયા અને અઢળક પૈસાનાં નંદા શેઠાણી સ્વતંત્ર માલીક થયાં. વૈધવ્યનાં ચાર વર્ષ શોક પાળ્યો-ખૂણે પાળ્યો, કાળો પોશાક અને સાત્વિક ખોરાક રાખ્યો. સમય જતાં પુત્રને ઉછેરવા, પુત્રમાં પતિનો આત્મા માનવા ચાર સહીયરો–પાડપાડોશીઓએ કહ્યું. ખરતાં આંસુ અને ધડકતે હૃદયે નંદાએ શોક મૂક્યો અને કમાનરૂપ મન બીજે છેડે જઈ બેઠું. બહાર ફરવા હરવા લાગ્યાં. પૈસાને લીધે બા, બા થવા લાગ્યાં, ખુશામત પ્રિય થઈ પડી. મંદિર, દેવદર્શન અને લગ્ન, પાર્ટીમાં ધીરે ધીરે જવા માંડયું.

સોસાયટીમાંથી નિમંત્રણ આવવા લાગ્યાં, આગૃહ થવા લાગ્યો અને નંદા હવે નિશ્ચિત ફરવા હરવા લાગ્યાં. વૈધવ્યનો પણ ફેશનેબલ ડ્રેસ પહેરવા માંડયો. સોનાની નાજુક બંગડી, કાળો કિવા સાવ સફેત સાલ્લો, ઉંચી ફલાલીનની ચોળી, તે ઉપર દોઢસો રૂપીઆની શાલ, પગમાં કાળા મુખમલના બૂટ, હાથમાં પૈસાની મખમલની બેગ એ નંદાનો વૈધવ્યનો પોશાક હતા. ભૂજંગલાલને માટે અનેક સારા ખોટા પુરૂષને મળતાં, પૈસાના મદમાં ગમે તેમ બોલતાં અને સધવા વૈધવ્ય બોગવતાં હોય તેમ જનસમાજને લાગતું. ભૂજંગલાલને કેળવવા માસ્તરો રાખ્યા હતા. નિશાળે જતા ભાઈને પાણી પાવા,