પૃષ્ઠ:Tarlaa.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
સ્ટેશન ઉપર.


'હા, એમને ન ઓળખું એમ હોય ?'

મ્હોટા માણસને આપણે ઓળખીએ, એ ન ઓળખે તો એ મોટા માણસ. મનુષ્ય સ્વભાવ જ છે, અને ત્હેમાં પણ યુવાવસ્થાનો પ્રભાવ જ ઓર છે. પોતાની ભાવિ પત્ની, જેના સાથે આપણે લગ્નમાંથી બંધાવાના હોઈએ અગર તરત જ બંધાયા હાઈએ તેનાં સગાં, તેના ભાઈ, બહેન તરફ આપણે વધારે આકર્ષાઈએ છીએ. એમની સાથે વાત કરવામાં, એમની મશ્કરી સહવામાં આનંદ આવે છે, તે માત્ર અનુભવથી જ સમજાય એમ છે. વસન્તલાલ લીલાનો બનેવી એટલે ભૂજંગલાલને વસન્તલાલ સાથે પરિચય પાડવા, એની સોસાયટીમાં રહેવા ઉત્સુક્તા હતી અને આ પ્રસંગ મળ્યો.

'ભુજંગલાલ ! અરવિન્દને મળ્યા ?'

'હા, પણ એ તો વહેલા જતા રહ્યા.'

‘બહુ ભલો માણસ ! કેમ ખરું ને?'

'તે હશે, પણ તમને એમ નથી લાગતું કે મુંબઈના લોકોના મગજમાં જ સ્વતંત્રતાનો પવન ખરો. તમારા જેવા તો અપવાદ રૂપ જ હોય. બીજાને ઉપદેશ આપતા હોય તેમ જ બોલવાના, અમે જ બધું સમજીએ છીએ એવો ફાંતો તો ખરો.'

વસન્તલાલને હસવું આવ્યું ને બોલ્યો – 'તમે કહો છો તેમાં કાંઈક સત્ય હશે, પણ અરવિન્દના સબંધમાં તમે તદન ખોટા પડશો. અરવિન્દ બીચારો બહુ લાગણીવાળો છે, અને તેથી કોઈ વાર મુંજી થઈ જાય છે એ વાત ખરી; પણ જ્યારે આનંદમાં હોય છે, ત્યારે તે એની સાથેની વાતમાં ઓર જ મજાહ પડે છે. હમણાં કદાચ વધારે આનંદી કે ગમગીન લાગતો હશે, તેનું તો કારણ છે.'

તમારી સાળીનું માગું કર્યું છે માટે કે?’

'તે સંભવિત છે. લીલાને ઘણું સમયથી તે ચાહ્ય છે.'

' હુ ! ............ હું ધારતો હતો....'