પૃષ્ઠ:Tarlaa.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧
સ્ટેશન ઉપર.


'મારો તાર તો પહોંચ્યો હતો ને ભૂજંગ ?' ભૂજંગલાલ ડબ્બાની પાસે ઉભો રહી માતાની સાથે વાત કરતો સામાન ઉતરાવતો હતા ત્યાં પેલી કન્યા પાછી આવી. એને જોતાં જ નંદાએ ભૂજંગલાલની સાથે વાત કરવી પડતી મુકી.

'કેમ તમારા ભાઈ આવ્યા છે ને ?'

નંદાના આ પ્રશ્નની સાથે જ ભૂજંગલાલના મગજ ઉપર પડદો ફાટ્યો અને આ જ તરલા છે એવી ખાત્રી થઈ.

'વસન્તલાલ આવ્યા છે, અહિં જ છે. માફ કરજો, હેં ત્હમને ઓળખ્યાં નહિ. ઘણી વખત ઉપર જોયેલાં એટલે.' ભૂજંગલાલે કહ્યું.

તરલાએ સ્મિત હાસ્ય કર્યું.

'એમાં કાંઈ નહિ. મ્હેં તો ત્હમને તરત જ ઓળખ્યા હતા. ગાડીમાં તમારાં માજી સાથે તમારે વિશે અમારે બહુ બહુ વાત થઈ હતી. પણ ભાઈ કયાં?'

ગમે તે રીતે સ્ત્રીઓને ખુશ રાખવામાં હમેશાં તત્પર રહેતો ભૂજંગલાલ એકદમ પૅટફૉર્મ ઉપર દોડ્યો. ટોળામાંથી બહેનને ખોળતા વિસન્તલાલને પકડી ખેંચી લાવ્યો.

ભાઈ બ્હેન મળ્યાં. આ બન્નેને મળતાં જોઈ——એ બન્નેના મ્હોં ઉપર આનંદ છવાતાં જોઈ ભૂજંગલાલ ઉભો જ રહ્યો. પોતે માને તેડવા આવ્યો છે એ વાત જ વિસરી ગયો. જતાં જતાં તરલા નંદા પાસે આવી ને બોલી,

'નંદા બ્હેન! ગાડીમાં મ્હેં મારી વાત કહી કંટાળો આપ્યો છે, પણ માફ કરજો. તમને તમારો પુત્ર મળ્યો, મને મ્હારો ભાઈ મળ્યો.'

‘તરલા ! એમ ન બોલો. એમાં માફ શું કરવાનું છે? તમારા નાના ભાઈ માટે થાય એ સ્વાભાવિક છે, પણ શું કરીએ ? ભૂજંગ ! તરલાને એક છ વર્ષનો નાનો ભાઈ છે. નાનપણથી જ તરલાની સાથે રહે છે એટલે આ ફેરી મુકીને આવવું પડ્યું છે તે તેનો જીવ જાણે છે. પેટના છોકરા જેવું છે.'