પૃષ્ઠ:Tarlaa.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૩
સ્ટેશન ઉપર.


તરલાનું આ વાક્ય પૂરું થયું નહિ ત્યાં તો 'આવું છું' કહી ભૂજંગલાલ ગયો.

નંદા ઘેર જવાને ઉતાવળી થઈ હતી, પણ ભૂજંગલાલ આવે ત્યાં સુધી એને ઉભા રહેવું પડ્યું, અને વસન્તલાલની વાતોમાં જાણે રસ પડતા હોય એમ ડાફરીયાં મારતી હુંકારા ભણવા લાગી.

ભૂજંગલાલ આવ્યો, માને ચાલવા કહ્યું અને સહુથી આગળ થયો. ભૂજંગલાલ, નંદા, તરલા અને વસન્તલાલ પ્લૅટફૉર્મ બહાર નિકળવા ચાલ્યાં ત્યાં સામેથી સ્ટેશન માસ્તર ઉતાવળે આવ્યા અને ભૂજંગગલાલને સાહેબજી કરી પૂછયું –

'મારા ડેપ્યુટી સ્ટેશન માસ્તરના જણાવ્યા પ્રમાણે તમે બસો રૂપીઆ આપ્યા છે, એનું શું કરવું છે?'

આટલું સમજતા નથી એમ મનમાં તિરસ્કાર આણી ભૂગલાલ બોલ્યો, 'એ પેલી વિધવા અને છોકરાને માટે છે. એમાંથી એ બિચારાને અવલમંજલનું જે ખરચ થાય તે આપવું, બાકી વિધવાને મળે. એમાં પૂછવા જેવું શું છે ? કાંઈ તમને કે ડેપ્યુટીને આપ્યા નથી.'

વસન્તલાલ પાછળ હતો તે ભૂજંગલાલની વાત સાંભળી એકદમ આગળ આવ્યો ને બોલ્યો 'ભૂજંગાલ! બસો રૂપીઆ તમે આપ્યા ? તરલા ! કેવું દિલ ! કેવો ઉમદા માણસ ! માણસ તો આવા જ જોઈએ !'

બધાં પ્લૅટફૉર્મ બહાર નિકળ્યાં. નંદા અને ભૂજંગલાલ પોતાની ગાડીમાં બેસી ગયાં. લોકો ભૂજંગલાલની ગાડી પાસે ઉભા રહી 'આણે બસો રૂપીઆ આયા! એમનું ભલું થજો.' એમ બોલતા વિખરાયા. પોતાના શરીરનું–મનનું તરલાને જરાયે ભાન નહોતું. સ્ટેશન ઉપર બનેલો અકસ્માત, પેલા ગરીબ માણસનું મૃત્યુ, એના શરીરનો ત્રાસદાયક દેખાવ, એની પત્નીનું કલ્પાન્ત, ભૂજંગલાલનું ઉમદા વર્તન: આ બધું એની નજર આગળ તરી આવ્યું. ભય, ત્રાસ, દયા, સ્નેહ, માન એમ જુદી જુદી લાગણીઓ થઈ આવી. એની છાતી ધબકતી હતી, હોઠ ફફડતા હતા અને આંખમાં આસું આવું આવું થઈ રહ્યાં હતાં.