પૃષ્ઠ:Tarlaa.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
નણંદ ભોજાઈ.


પ્રકરણ ૧૨ મું.
નણંદ ભોજાઈ.

જ્યારે તરલા બંગલામાં દાખલ થઈ ત્યારે ચંદા પોતાના નાના છોકરાને બીજી ચોપડીનો પાઠ વંચાવતી હતી. હૃષ્ટપુષ્ટ, ગોરો, હસમુખો પણ મસ્તીખોર છોકરો હસતો રમતો પાઠ વાંચતો હતો, અને ચંદા લડાવતી, ધમકાવતી વંચાવતી હતી. ચંદા અત્યારે સ્વસ્થ હતી. 'નણંદ-તરલા આવે છે તે ભલે આવે. મ્હારે શું ? હું કઈ કરવાની નથી.' એમ એણે વસન્તલાલને ચોખ્ખે ચોખ્ખું જણાવ્યું હતું. આમ છતાં તરલા નાતજાત સોસાયટીમાં જાણીતી છે, એક ખુબસુરત, ભણેલી સ્ત્રી છે, લોકોમાં તેને માટે માન છે, મોટાની પુત્રી છે, અને સુમનલાલ જેવા અધિકારીની ભવિષ્યની પત્ની છે, એ ચંદા સારી રીતે સમજતી. 'આવે તો ભલે આવે' એમ ચંદા બોલી હતી પણ તે ઉપરનું જ. મનમાં તો એમજ થતું હતું કે–એમાં બિચારી તરલાનો શો વાંક ? મારા ઉપર તો એને અથાગ સ્નેહ છે. નણંદ ભોજાઈ કરતાં બે બ્હેનો જેવાં છીએ. એ બિચારી આટલે દૂરથી ચાલી ચલાવી આવી છે તો શા માટે આવકાર ન આપવો ? મ્હારી વાતમાં માથું ન મારે અને મને ધીરજ આપવા કે સલાહ આપવા ન આવે એટલે બસ. પ્રભુ ઉપર વિશ્વાસ રાખી બેસતાં અને સહન કરતાં તો મને આવડે છે, એમાં એ શું કહેતી હતી ?'

છોકરાને ભણાવતી હતી પણ વાંચવામાં શી ભૂલ કરે છે ? 'મોટા ભાઈ, આજે ગોકળ આઠમનો મેળો છે' એમ વાંચવાને બદલે 'મોટા ભાઈ, આજે ગોળઆઠમનો મેળો છે' એમ છોકરાએ વાંચ્યું, પણુ ચંદાને ત્હેનું ભાન નહોતું. ત્હેની નજર ઘડિયાળ તરફ હતી. ગાડી આવી હશે, લોકલમાં બેઠાં હશે, લોકલ આવી–હમણાં આવશે. આમ વિચારમાં હતી ત્યાં બારણું ઉઘડ્યું અને 'ભલે આવે એમાં