પૃષ્ઠ:Tarlaa.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


મ્હારે શું ?' કહેનારી ચંદા તરલાને જોતાં જ ઉમંગભર ઉઠી અને સામી જઈ બોલી, 'તરલા ! તું આવી ?'

ભાભી ! ખરે, ત્હમને મળી આજ બહુ આનંદ થયો. કેટલે વખતે મળ્યાં ?'

રખેને તરલા અહીંની વાત જાણતી હોય–રખેને જાણી ગઈ હોય એમ બ્હીક રાખતી, પરાણે હસતી ચંદા બોલી, 'બ્હેન ! મ્હને પણ એમ જ થતું કે તરલા આવે તો સારું. બ્હેન! તરલા!'

તરલાના ચહેરા ઉપરથી જ ચંદા સમજી ગઈ કે એ બધું જાણે છે, અને ત્હેમાં જયારે તરલાએ કહ્યું કે- 'ચાલો ત્હમારા ઓરડામાં' ત્યારે તો ચંદાને જરાયે શક ન રહ્યો. વાત જ ન ઉપડે. તરલા પોતાના ભાઈનું ઉપરાણું જ લેશે એમ ચંદાને થયું.

તરલાની નજર બટુક ઉપર પડી, અને એકદમ બટુકને ઉપાડી બચ્ચીઓથી નવડાવી દીધો. નણંદ ભોજાઈ કોચમાં બેઠાં. તરલા ખુબસુરત, આનંદી, નિશ્ચિંત તરલાને જોતાં ચંદાને કાંઈક અદેખાઈ આવી અને બોલી,

'તરલા ! તું કેટલી સુખી અને આનંદી લાગે છે ?'

'હા, ભાભી ! છે તો એમ. અને જો આ કીકી આવી. કીકી મારા મનુ જેવડી લાગે છે. ભાભી, છોકરાં ક્યાં ગયાં ? મારે બધાં છોકરાં જોવાં છે.'

છોકરાનું નામ આવતાં ચંદાને છોકરાના પિતા સાંભર્યા અને એક ઉંડો નિશ્વાસ નાખ્યો. 'તરલા ! બધાં બતાવીશ. અત્યારે ને અત્યારે તો જતી નથી ને? નાની તો ઉંધે છે. જરાક ચાહ કૉફી તો પીઓ !'

નણંદ ભોજાઈ ઉઠયાં. બીજા ઓરડામાં નાની છોકરી ઘોડીયામાં ઉંધતી હતી તેને ઘોડીયામાં ને ઘોડીયામાં જ તરલાએ બચીઓ કરી. લુગડું બદલ્યું અને આગલા ખંડમાં આવી ચા પીવાની તૈયારી કરી.