પૃષ્ઠ:Tarlaa.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
નણંદ ભોજાઈ.


નોકર ચાહના પ્યાલા મૂકી ગયો ને નણંદ ભોજાઈ એકલાં પડયાં ને તરલાએ વાત ઉપાડી.

'ભાભી ! ભાઈએ મને બધી વાત કરી છે.'

તરલા આશ્વાસન આપશે, ભાઈનો વાંક કહાડશે અને રસ્તો બતાવશે એમ ચંદાને આશા હતી, પણ એમાંનું કાંઈ ન મળતાં ચંદા નિરાશ થઈ. તરલા ચંદાની અંદરની લાગણી સમજી અને બોલી,

'ભાભી ! હું મારા ભાઈનો બચાવ કરતી નથી તેમ જ ત્હમને ધીરજ આપવા ઈચ્છતી નથી. બન્ને થાય એમ નથી. પણ ખરેખર! ત્હમારી મનની સ્થિતિ સમજી મ્હને ત્હમારે માટે બહુ માન થાય છે.' આટલું કહેતાં તરલાની આંખમાં ઝળઝળીયાં આવ્યાં. ચંદાની પાસે ગઈ અને ત્હેને બહેનની માફક છાતી સાથે દબાવી. ચંદા જરા પણ સામી થઈ નહીં.

'તરલા ! આ દુનિયામાં મને કોઇ શાન્ત કરે એમ નથી. હવે મ્હારા સુખનો તો અંત જ આવ્યો.”

તરલાએ ભાભીનો હાથ પોતાના હાથમાં લીધે. સ્નેહથી પંપાળ્યો અને બોલીઃ 'ભાભી ! શું કરવું? આનો રસ્તો શો ?'

'રસ્તો ! રસ્તો કાંઈ જ નહી. ઘણીવાર થાય છે કે સાહેબ લોકો કે પારસીઓ માફક છૂટાછેડા કરવાનો રીવાજ હતો તો સારું, હું છૂટી થાત. પણ વળી થાય છે કે એ છૂટાછેડાના રીવાજથી ખરી શાંતિ મળે ખરી ? ખરી ખૂબી સહન કરી સંસાર સુધારવામાં છે કે આમ ન સહન કરી છેડાછુટકા કરવામાં છે તે સમજણ નથી પડતી. પણ તરલા ! મ્હારા સુખને તો છેડો જ છે. શું કરું છોકરાં છે, નહીં તો પીયર જઈ રહેત. આટલી ઉમરે છોકરાંને મૂકી ત્યાં રહું તે ખોટું કહેવાય. તરલા! હવે તે એમને જોઉં છું ને મ્હને કાંઈ કાંઈ થઈ જાય છે. છોકરાને મૂકી જવાતું નથી, અને એમને જોઈ પહેલાનો સ્નેહ સંભારી દુઃખી થાઉં છું.'