પૃષ્ઠ:Tarlaa.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


'ભાભી ! ભાઈએ મ્હને બધી વાત કરી છે. હવે તમારે જે કહેવું હોય તો કહે. જરાયે જરા કહો.'

તરલાના શબ્દમાં, તરલાની આંખોમાં, તરલાના ચહેરામાં એવી તીવશ, એવો સ્નેહ, એવી લાગણી હતી કે ચંદાને એમ જ થયું કે તરલા આવી તે સારું જ થયું. તરલા સામાન્ય સ્ત્રી નથી પણ શાન્તિદેવી છે.

'તરલા! સાંભળ. મારા વિવાહ થયો ત્યારે ત્હારો તો જન્મે નહીં અને હું બહુ નાની. આપણા રીતરીવાજ પ્રમાણે મ્હને ભણાવી ગણવી. મ્હને દુનિયાનો અનુભવ જ નહી. પતિવ્રતપણા માટે મ્હેં બહુ વાંચેલું, સાંભળેલું, પણ પુરૂષોએ પત્નીવ્રત રાખવું એ સંબંધી બહુ વાંચેલું નહી. હું તો એમજ સમજતી કે જેમ પત્નીએ પતિવ્રત રાખવું તેમ પુરૂષોએ પત્નીવ્રત રાખવાનું હશે. સરખેસરખી છોકરીઓ મળીયે ને કદી કઈ છોકરાની વાત નીકળે તો બધાં અમને લડતાં. વર સિવાય કોઈની વાત થાય જ નહીં. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ ફરતાં ફરતાં પરણ્યા પછી જોયું તો પુરુષ બીજી સ્ત્રીઓની ગમે તેવી વાત કરે ને કોઈ એમ ના કરવા કહે જ નહી, એક ઉપર બીજીની વાતો થાય. માંદી પડે ત્યાંથી બીજી ખોળાય, એ તો બધું ઠીક, પણ બીજી પરણેલી સ્ત્રીઓની પણ પોતે પરણેલા છતાં વાત કરે તે જાણે મહત્વની વાત જ નહી, અને કદાચ કોઈ સ્ત્રી અમથી જ પુરૂષો દેખતાં મોટેથી હસી હેય તો ત્હેની અથાગ નિંદા થાય. બ્હેન ! આપણે પતિવ્રત પાળીયે ને પુરૂષોએ પત્નીવ્રત ન પાળવું ? ખેર ! તરલા! જો મ્ંહે ત્હમારા ભાઈ શિવાય કોઈનાએ વિચાર કર્યા હોય તો મારા જીવના સમ, અને એમના મનમાં પાપ હશે તે હું જાણતી નહી. પરણેલા પુરુષો બીજી સ્ત્રીનો વિચાર કરતા હશે, કરે તો લોકનિન્દા નહી થતી હોય એનો મને વિચાર પણ નહી. એમને હું પરમ પવિત્ર માનતી. અમારાં જેવાં પવિત્ર–સ્નેહાળ દંપતી કોઇ જ નહિ હોય એમ માનતી. આવી માન્યતા હોય, સ્નેહ હોય, ત્યાં અણવિશ્વાસ