પૃષ્ઠ:Tarlaa.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપોદ્‌ઘાત

બહુ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. સમાજસેવાના ક્ષેત્રમાં સતત્ ઘૂમવાથી એમણે આપણી સામાજીક સમશ્યાઓનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને પોતાની એક એક નવલકથાદ્વારા સમાજને લગતા–ખાસ કરીને સ્ત્રીઓને લગતા–જ્વલંત પ્રશ્નોનો ઉકેલ કરવા સુંદર પ્રયત્ન કર્યો છે. સમાજશાસ્ત્રના એક ઉંડા અભ્યાસીને છાજે એવી રીતે પોતાની નવલકથાઓમાં એમણે કન્યાકેળવણી, વિધવાવિવાહ, સ્ત્રી–પુરૂષના સમાન હક્કો, સહશિક્ષણ અને લગ્નસંસ્થાને લગતા માર્મિક પ્રશ્નો ચર્ચ્યા છે.

પ્રસ્તુત નવલકથા “તરલા અથવા ઉર્મિનો આવેગ” પ્રથમ ઇ. સ. ૧૯૧૪ માં “સ્ત્રીબોધ” નાં પાનાંઓમાં કટકે કટકે પ્રકટ થઈ હતી. એમાં ચર્ચાયેલા પ્રશ્નો એટલા જીવંત છે, એની શૈલી એટલી સંસ્કારી પણ સાદી છે, અને એની વસ્તુગૂંથણી એટલી રસમય છે કે એ અભરાઈ પર માસિકની ફાઈલમાં પંદર પંદર વર્ષ સુધી શા કારણસર કોઈ પ્રકાશકને ન આકર્ષી શકી એ પણ એક કોયડો જ ! “સ્ત્રી-બોધ” ના ઉત્સાહી મંત્રી રા. જીવનલાલભાઈએ આવી ઉચ્ચ કોટીની નવલકથાને સ્થાયી સ્વરૂપ આપીને સદ્‌ગત લેખક પ્રત્યે પોતાની અચૂક ભક્તિ દાખવી છે.

“તરલા” ના મુખ્ય સ્ત્રીપાત્રો તરલા અને વીણા એટલે બુદ્ધિમત્તા અને સંસ્કારની મૂર્તિઓ અને ગુજરાતી અસ્મિતાના આધારસ્થંભો. તરલા ઉર્મિઓના પ્રબળ અને અસ્ખલિત રીતે વહેતા આવેગમાં ઘસડાઈ જાય છે પણ અંતે એનું ઉન્નત વ્યક્તિત્વ પ્રધાનપણે ખીલી નીકળે છે તેનું મુખ્ય કારણ એની ઉચ્ચ કેળવણી અને સંસ્કારો. લગ્નને બંધન માનનાર ભૂજંગ સાથે Trial Marriage, Companionate Marriage, તથા છુટાછેડાના ગહન પ્રશ્નો પર અસરકારક રીતે ચર્ચા કરી અને ભૂજંગને વશ થતી સહેજમાં બચી જાય છે તેનું કારણ શોધવું અઘરું નથી. હાર્દિક અને માનસિક યુદ્ધમાં મનનો વિજય થાય છે પણ આ વિજયનું મૂલ્ય આકરૂં આપવું પડે છે.