પૃષ્ઠ:Tarlaa.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧
નણંદ ભોજાઈ.


ખૂન થાય છે. ને થાય જ. લાગણીનું જોર એવું જ છે. હું આર્યદેશમાં ઉછરી છું. ખૂનામરકી અમારું કામ નહી. ક્ષમા ? તરલા ! તમે શા માટે આવ્યાં?'

'ભાભી! તમે અત્યારે ઉશ્કેરાઈ ગયાં છે, અને એને લીધે તમે ખરી વાત જોઈ શકતાં નથી.”

ચંદા ધીરી પડી, શાંત થઈ ને બોલી

'તરલા ! ત્યારે તું જ કહે મારે શું કરવું? મને તે કાંઈ જ રસ્તે જડતો નથી.’

'ભાભી! હું મારા વિચાર કરું છું. હા, એ મારો ભાઈ છે એટલે હું એનો સ્વભાવ જાણું છું. એ નબળા મનનો છે. એનામાં સ્વામા થવાની શક્તિ નથી. અને શું કરે છે ત્હેનું ત્હેને ભાન રહેતું ન હોવાથી પાછળથી પસ્તાય છે. એ શું કરે છે ત્હેનું ત્હેને ભાન જ નથી. પહેલાં જ એણે જ્યારે મને વાત કરી ત્યારે હું જ બરાબર સમજી નહતી. મને એટલું જ લાગ્યું કે તમારા બે વચ્ચે કાંઈ ખટપટ જાગી છે, ને હું ખરેખર દિલગીર થઈ. પણ જ્યારે મ્હારે ત્હમારી સાથે વાત થઈ––એક સ્ત્રી બીજી સ્ત્રીની સાથે વાત કરે ને હૃદય ખૂલ્લું થાય એમ થયું ત્યારે જ સમજી–તમને શું દુઃખ થાય છે તેની ખબર પડી. પણ ભાભી, એક વાત પૂછું ? તમે ભાઇને ચાહો છે ? શુદ્ધ સ્નેહથી ચાહો છે ? એક સ્નેહી પોતાના પ્રિયજનને ક્ષમા ન આપે? સ્નેહ ક્ષમા ન આપે તો પછી સ્નેહ શો ? ત્હમારો સ્નેહ નથી?

'ના, નથી.'

'ભાભી ! હું તમારાથી નાની છું પણ મને જુદો અનુભવ છે. ત્હમારા ઉપર સ્નેહ નથી એ હું માનતી નથી. સ્નેહ જુદી જ વાત છે. ભાઈએ ન કરવાનું કર્યું છે, તે બીજીને ચાહ્ય છે માટે નહીં પણ લાગણી કબજામાં ન રહેવાથી–મન ઉપર કાબુ ન રાખી શકવાથી. એવા અનેક દાખલા મળી આવશે કે જેમાં સ્ત્રી કિંવા પુરૂષનાં વર્તન નિંદાપાત્ર હોય છતાં એમનાં ગૃહજીવન સરળ-શાન્ત રીતે ચાલે છે.