પૃષ્ઠ:Tarlaa.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


આ સ્થિતિ વખાણવા લાયક નથી. પણ ભાભી, સ્નેહ નથી એમ નહી. એ આડે જતા બળદીયાને આર મારી રસ્તે લાવો. ઘોડો આડે રસ્તે જાય એટલે કંટાળી છોડી દેવામાં બહાદુરાઈ-મ્હોટાઈ નથી. એને સામ, દામ, ભેદથી રસ્તે ચડાવવામાં જ મ્હોટાઇ છે-ખૂબી છે.'

‘પણ તરલા ! એ પેલીને ચાહ્ય છે!'

'ભાભી હું હવે મોટી થઈ, પણ મને મારું નાનપણ સાંભરે છે. 'નાની નણંદ' થઈ તમારી પાસે આવતી, ભાઈ તમારે માટે ગાંડા થતા, તમે જ્યાં જતાં ત્યાં પાછળ પાછળ ફરતા, વરઘોડામાં બાનાં કાઢી બૈરાં ભેગાં તમને જોવા આવતા, અનેક વાર 'તરલા! તારી ભાભીને આ ચીકી આપી આવ !' કહેતા તે બધું સાંભરે છે. રાતના છાનામાના ખાવાનું–ફુલ લાવતા તે હું ભૂલી ગઈ નથી. ભાભી તે જ ભાઈ એવા ને એવા આ મ્હારી ભાભીની પાછળ આટલે વર્ષ ગાંડા છે ને થશે. ભાભી ! રસ્તે જતાં કઈ કાંતો વાગે તેમ અચાનક આ કાંટો જ છે. એ કાંટો દૂર કરવો તમારા જ હાથમાં છે.'

'પણ તરલા! કદાચ એવો કાંટો આવે તો ?'

'આવે જ નહીં. તમારા જેવાં ચતુર ભાભીના રસ્તામાં કાંટો હોય જ નહિ.'

'તરલા ! મારી જગાએ તમને આવું થયું હોય તો?'

'ભાભી ! મ્હને અનુભવ નથી. શું કહું? ભૂતકાળ ભૂલી જાઉં ને માફી આપું.'

'ભૂલી ન જવાય તો પછી માફી આપી કે ન આપી તે સરખું જ છે. તરલા ! તું–તમે આવ્યાં તે સારું થયું છે ? આજ મને નિરાતે ઉંઘ આવશે. નાની નણંદે ફરીને ભાઈ આણી આપ્યા હો ! 'ત્હમે ને સુમન—

'ચુપ રહો ભાભી.'