પૃષ્ઠ:Tarlaa.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


જમવા બેઠાં. ચંદાના મનમાં રીસ હતી પરંતુ આટલી વયે પણ જમતાં જમતાં આડી આંખે વસન્તલાલ તરફ જેવાતું હતું. વસન્તલાલ પણ ચંદા તરફ જોતો અને બન્નેનાં મોં મલકાતાં. ચતુર તરલા સમજતી અને પોતાનું દૂતીકાર્ય સફળ થયું માની સંતોષાતી.

જમી પરવાર્યા પછી બપોરના તરલા આવી છે જાણી લીલા બહેનને ત્યાં આવી. લીલાએ તરલાના સૌંદર્યની, તરલાની પ્રેમકક્ષાની વાત સાંભળી હતી. જૂના જમાનામાં ન્યાતજાતમાં મળ્યાં પણ હતાં. તરલા લીલાને જોતાં જ, એના નિર્દોષ સ્વભાવનો અનુભવ થતાં જ, એનું સૌંદર્ય જોતાં જ કાંક સ્ત્રીસ્વભાવની અદેખાઈ થઈ પણ બીજી જ પળે તે શાન્ત થઈ. પોતાની નાની બ્હેન હોય તેમ તરલા લીલાની સાથે વર્તવા લાગી અને આ બે જાણે ઘણાં વર્ષોથી પરિચયમાં હોય તેમ થઈ રહ્યું.

ચંદા કીકીને લેવા અંદર ગઈ અને બ્હેને ભાઈને કાનમાં કહ્યું, “ભાઈ, સૌ સારાં વાનાં થશે. અંદર જાવ તો.” વસન્તલાલ સમજ્યો અને ચંદાની પાછળ જ ઓરડામાં ગયો. તરલાની આસપાસ છોકરાં ફરી વળ્યાં હતાં. ફોઇનો સ્વભાવ જ મળતાવડો હતો અને તેમાં ફોઇના આવ્યા પછી મા અને બાપ સાથે બેઠાં હતાં, જમતાં જમતાં સ્હેજ હસ્યાં હતાં એટલે અણસમજુ પણ સમજુ બાળકો ફોઈને સ્નેહથી જોવા લાગ્યાં હતાં.

'લીલા ! પાર્ટી કયારે છે ?'

'આવતા અઠવાડીયામાં. ખરે, પાર્ટી મોટી અને સારી થશે, કારણ બંગલો વિશાળ છે. બંગલાના પ્રમાણમાં પાર્ટીની મજાહ રહે છે એ ત્હેને ખબર નથી. જોન્ર્ તે દિવસે પહેલાં પેલા તુલસીદાસના બંગલામાં ઠરાવ્યું હતું, પણ પછી જ્યારે હર્મીટમાં પાર્ટી થઈ ત્યારે જ લાગ્યું કે તુલસીદાસના બંગલામાં આવી મજા ન આવત.'

'તે હશે! મારે મન તો એવી પાર્ટીઓ સરખી જ છે. કોઈમાં વધારે કંટાળો આવે તો કઈમાં ઓછો એટલો જ ફેર.”