પૃષ્ઠ:Tarlaa.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

'અમસ્તા ગામગપાટા. ગઈ કાલે આખો દિવસ હું અને નંદા ગાડીમાં સાથે હતાં અને ભૂજંગલાલની જ વાત થઈ હતી. દીકરાને લાડ બહુ લડાવતાં લાગે છે. ભૂજંગલાલની વાતો સાંભળી મ્હને એમ જ થયું કે એ બહુ જ સારા અને મળતાવડા અને સોસાયટીમાં ગમે એવા હશે' અને ત્હેના જેવા ઉદાર મ્હેં કોઈ જોયા નથી.’ આ વખતે ભૂજંગલાલનો હસતો ચહેરો અને ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર અકસ્માત વખતે એકદમ આપેલા બસો રૂપીઆ નજર આગળ તરી આવ્યા, અને તરલાના હૃદયમાં ભૂજંગુલાલ માટે થયેલી લાગણી ત્હેના ચહેરા ઉપર ખુલે ખુલી દેખાઈ.

લીલા–-ભૂજંગલાલની સાથે પરણનારી લીલા, આમ પોતાના મ્હોં આગળ પોતાના ભવિષ્યના પતિનાં એક બીજી યુવાન કન્યા વખાણ કરે તે સહન કરી શકી નહીં. તરલાની સગાઈ થઈ હતી, લગ્ન નહોતું થયું એ વાત ખરી, પણ જ્ઞાતિના નિયમ પ્રમાણે સગાઈ તોડાય એમ નહોતું, છતાં તરલા ભૂજંગલાલને લઈ ગઈ એમ ક્ષણ વાર લીલાને લાગ્યું, અને આ શંકામાં તરલાના પછીના શબ્દે વધારો કર્યો.

'લીલા ! નંદા બ્હેને એમને ઘેર મને બોલાવી છે અને હું કાલે જવાની છું. વસન્તભાઈ આજ તો ભાભીની સાથે બહુ વાતોમાં પડયા લાગે છે. છો કરે ! સારું.’

આટલું બોલી તરલા ભત્રીજાને રમાડવા લાગી અને લીલા ઈર્ષા, ચિન્તા અને શ્ંકામાં ગોથાં ખાતી જ બેસી રહી.

પ્રકરણ ૧૪ મું.
તરલા અને ભૂજંગલાલ.

ગોળ મેજ ઉપર ચાહના પ્યાલા મુકાયા અને ચંદા દાખલ થઈ. સામે બારણેથી વસન્તલાલ નિકળ્યો.

'તરલા બ્હેન ! અહીં તમને ટાઢ વાશે. તમારું સુવાનું બીજા ઓરડામાં રાખીશું?'