પૃષ્ઠ:Tarlaa.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપોદ્‌ઘાત


વીણાના પ્રવેશ સાથે Eternal Triangleનો સનાતન પ્રશ્ન વાચકને આકર્ષી રહે છે. વીણા તરલાની માફક સંસ્કારી યુવતી છે, પણ ઉર્મિના આવેગમાં ઘસડાઈ જવાને બદલે એ અવિરત આવેગને વિજયનાં સાધન તરીકે ઉપયોગ કરી શકે છે. પ્રખ્યાત નૉર્વેજીઅન નાટ્યકાર હેનરીક ઇબ્સેનની નોરાની માફક વીણા પણ ઢીંગલીપદની સામે પોતાનો પડકાર જાહેર કરે છે. નવયુગની નારીને યોગ્ય એવા ગૌરવથી એ કહે છે:—

“એ તો લીલા–તરલા એવી કે આટલી છૂટ આપ્યા પછી આમ થવા દે ! હજારવાર ગરજ હોય તો પરણે! હા, અમે પુરૂષોને ચાહવા બંધાયેલાં પણ એ અમને ચહાય તો જ. અમે કંઇ રમકડાં નથી કે એક નાખી દઈને બીજું લે.”

સ્વ∘ ભોગીન્દ્રરાવ પ્રથમ પંક્તિના લેખક અને “સાક્ષર” નહિ હોય પણ કલાકાર તો છે જ. એમની દૃષ્ટિ ભવિષ્યપર અવલંબી હતી અને એથી જ એમની કૃતિઓમાં વિસંવાદિતા આવતી નથી.

અંતમાં માસિકોની ફાઈલમાં છૂપાઈ રહેલાં એમનાં નવલ–રત્નોને કોઇ પ્રકાશક સત્વરે જાહેરમાં આણે એટલી જ આશા સાથે વિરમીશ.

મુંબઇ,
તા. ૯-૧૨-૧૯૨
શાંતિલાલ તોલાટ.