પૃષ્ઠ:Tarlaa.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
પાર્ટી.

 થઈ ગઈ. 'ભૂજંગલાલ! મ્હારા ભૂજંગલાલ તરલાના રૂપથી અંજાઈ જાય ! મ્હારા કરતાં એનામાં-પણ કદાચ હોય !'

લીલા, ઈર્ષા–અદેખાઈથી બળતી લીલા-ઘડીમાં તરલા તરફ તો ઘડીમાં ભૂજંગલાલ તરફ જોતી. ભૂજંગલાલના શબ્દેશબ્દ તરલા સાંભળતી. ભૂજંગલાલના હસવા સાથે તરલા હસતી. ભૂજંગલાલના શબ્દ, હાસ્ય અને વર્તનથી તરલાની છાતી ઉછળતી. તેનાં નેત્ર હસતાં એમ લીલાને લાગ્યું. ભૂજંગલાલની પણ એ જ સ્થિતિ. એ આખા હોલમાં ફરતો, ઘણાની સાથે વાત કરતો, લીલા પાસે આવતો, પણ પાછો તરલા પાસે જતો ત્યારે જ એના ચહેરા ઉપર આનંદ છવાતો. લીલા–દુઃખી લીલાના નેત્ર આગળનો પડદો દૂર થયો. એના હૃદયમાં ચીરો પડ્યો. ભૂજંગલાલને તરલા લોહચુંબકની માફક ખેંચી લઈ જતી લાગી. લીલા ફરતી હતી, મોહનલાલ અને બીજી સ્ત્રીઓ સાથે વાત કરતી, પણ એનો જીવ એના ખોળીયામાં નહોતો.

જે લીલા હોલનો દાદર ચડતાં મદમસ્ત હસ્તિનીની [૧] માફક લાગી હતી તે જ લીલા અત્યારે નિરાશ થઈ ગઈ હતી. પાટીમાં આવવાનો ઉત્સાહ અત્યારે જતો રહ્યો હતો. એનું એજ લાઇટ, એનો એજ ડ્રેસ, એનાં એજ ગાયનો અત્યારે ત્હેને સુખ કરવાને બદલે દુઃખ દેતાં હતાં. પાટીમાંથી એકાએક જતાં રહેવું એ ગેરવ્યાજબી કહેવાય માટે જ ગઈ નહી. હોલમાં એને ન ગમ્યું એટલે પાસેના ઓરડામાં જઈ કોચ ઉપર પડી.

લીલા એમ માનતી હતી કે ત્હેને કોઈએ જોઈ નથી પણ વિનોદ-ચકોર વિનોદની આંખો આ સઘળો તાલ જોતી હતી. જેવી લીલા બીજા ઓરડામાં ગઈ કે તરત જ વિનોદ તેની પાછળ ગઈ અને કોચમાં પડેલી લીલાને કહ્યું,

'લીલા ! શું છે? કેમ પાટીમાં મજા ન પડી કે?'


  1. ૧ હાથી.