પૃષ્ઠ:Tarlaa.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૫
અરવિન્દ પાછો ઘેર.


પ્રકરણ ૧૬ મું.
અરવિન્દ પાછો ઘેર.

લીલાને મળ્યા પછી ઘણાં દિવસે જાગૃત થયેલી આશામાં નિરાશ થયા પછી-અરવિન્દે મુંબઈમાં કોઈને મ્હોં દેખાડ્યું જ નહિ. મોહમયી મુંબાઈ ફરીને નર્કાપુરી લાગી અને એમને એમ દેશમાં જવા ગાડીમાં બેઠો. ગાડીમાં ઉતારૂઓ સાથે વાતમાં પડ્યો. પેપરો વાંચ્યાં પણ એના મનની ચિંતા જરા ઓછી થઈ નહીં. પોતાના ઉપર જબરી આફત આવી પડી હોય એમ એને લાગ્યું.

'અવસાન [૧] બાદ ઉંચે જતાં ત્યાં આવશે સાચી મજા. ક્યાં છે મજા ? ક્યાં છે મજા ? દુનિયા મહીં ક્યાં છે મજા ?' એમ અરવિન્દને થયું. લીલા વિના જીવાશે કેમ ? ઘર આગળ ગમશે કે ? ઉંધ આવશે ? ખાવું ભાવશે ? આ વિચાર કરતા અરવિન્દ લખતરના સ્ટેશને ઉતર્યો. સ્ટેશન ઉપર બે બળદનું લાંબું મુસાફરીનું સગ્રામ લઈ ગાડીવાન અને નોકર આવ્યા હતા. ગાડીમાં પાટીયા તળે પેટી મુકાવી, ઉપર પાટીયાં નંખાવી, તે ઉપર ગાદી નંખાવી અને અરવિદ સુતો. માથું ધુણાવતા બળદો ગળે બાંધેલી ઘૂઘરમાળનો અવાજ કરતા ચાલ્યા. નોકરે વાત ચલાવી, 'ભાઈ! આપણું કાબરીને વાછરડી આવી. ભીખા પટેલના ખેતરમાં જારનો દાણો આવ આવડો થયો છે. આ ફેરી ઘી સારૂ ઉતર્યું. ભૂરી ભેંશ અધમણ દુધ દે છે; માજીએ અડદીયા તૈયાર કર્યા છે.'

અરવિન્દને કાને આ વાત પડતાં મુંબાઈ જતાં પહેલાં-ગયા પહેલાના ગામડાના સુખી દિવસો, ને ગામડાની શાન્ત નિર્દોષ વાત સાંભરી અને મુંબાઈનું દુ:ખ પડેલી આફત કાંક ઓછી થયેલી લાગી. પોતે કાંઈ જ નથી, જીવન નકામું છે, એ વિચાર જતા રહ્યા અને તેને બદલે વધારે ઉન્નત [૨] અને ઉપયોગી મનુષ્ય થવાનો નિશ્ચય કર્યો.


  1. ૧. મોત.
  2. ૨. ચઢતો.