પૃષ્ઠ:Tarlaa.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
અરવિન્દ પાછો ઘેર.


માજીના આ વહાલભર્યા શબ્દો સાંભળ્યા ત્યારે જ અરવિન્દને થયું કે મુંબાઈમાં બનેલા બનાવ છતાં ઘર આગળનું આનંદનું સ્વપ્નું હજી નાશ પામ્યું નથી. અરવિન્દે માજીના હાથમાંથી દુધનો કટોરા લીધો ને માજીની જીભ ચાલી. અરવિન્દના કાને માજીના શબ્દો પડતા હતા એટલું જ બાકી એના મગજના ખ્યાલ તો બીજા જ હતા. મુંબાઈ અને આ ગામડાના બનાવ સરખાવતા હતા ત્યાં પુસી ગેલ કરતી અરવિન્દના ખેળામાં ચડી બેઠી.

'બેટા! તારા વિના પુસી સુની પડી હતી. એને વાચા નથી એટલું જ, બાકી એ સમજે છે કે મારો શેઠ દીલગીરીમાં છે !'

'દીલગીરી ? શા માટે દીલગીરી ?'

'બેટા! મારી પાસે શા માટે છુપાવે છે ? ધાવતો હતો ત્યારથી હું તને ઓળખું છું. શરીર સારું હોય અને મનમાં કાંઇ ન હોય તે કાંઈ જણાયા વિના રહે?'

અરવિન્દ તો આભો જ બન્યો. 'કાઠિયાવાડના એક ખૂણામાં વર્ષોનાં વર્ષો થયાં પડેલી, અભણ ગંગાડાશી મ્હારા હૃદયની વાત સમજી શકી એ જ નવાઇ !'

'બેટા ! બીજું દુધ લાવું?”

'ના.'

પુસી અરવિન્દ્રના ખોળામાંથી ઉતરી, સ્હામે ખૂણામાં જઇ સૂતી.

'માજી! મને પણ આરામ લેવા દો. વખત જતાં સઉ મારાં વાનાં થશે.'