પૃષ્ઠ:Tarlaa.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
તરલા અથવા ઉર્મિનો આવેગ



પ્રકરણ ૧૭ મું.
તરલાની પાછળ લાગેલો સાપ.

તરલાએ સુમનલાલ ઉપર તાર કર્યો અને ભાભીની રજા લઈ તરલા સ્ટેશને જવા નિકળી. તરલા આવવાની હતી ત્યારે-તરલાનો તાર આવ્યો ત્યારે ચંદાએ તરલાના સામુંએ જોવા ના પાડી હતી, તે જ ચંદા અત્યારે તરલાના જવાથી પોતાની સગી બહેન જતી હોય એમ શોક કરવા લાગી. વસન્તલાલ અને ચંદાના કુટુમ્બમાં નાશ પામેલા સ્નેહનો પુનરૂઉદ્ધાર તરલાએ કર્યો હતો. વસન્તલાલ સ્ટેશન ઉપર મુકવા આવ્યો હતો. પણ ઘરમાંથી નિકળતાં તે ગાડી ચાલી ત્યાં સુધી વરબહાને તરલાનો ઉપકાર માનતો. આર્ય સંસારની પવિત્રતા-શાન્તિ જળવાઇ હોય તો તરલાને લીધે જ. તરલા ન આવી હોત, તરલાએ સ્નેહની ઉચ્ચભાવના–ક્ષમા, પવિત્ર સ્નેહ, એકને જ ચાહવા-જેને પોતાનાં કહ્યાં તેને જ ચાહવા, ત્હેના દોષ ન જોતાં ગુણ જોવાની ટેવ પાડવી ન કહ્યું હતું તો, ઈગ્રેજી સોસાયટીમાં ઘણીવાર નજરે પડે છે તેમ, સહજ સહજ કારણસર કે ગંભીર કારણસર છૂટાછેડા કે અણબનાવો કાયમનાં ઉંચાં મન થાય છે તેમ, આ કેસમાં થયું હત. હિંદુ-આર્ય ગૃહસંસારમાં અણબનાવ, ગંભીર દોષ, અવિશ્વાસ નથી એમ નહી; પણ મન કાંઈ વધારે ઉદાર હોવાથી, આખરે માણસ છીએ એ વિચાર લાવી ક્ષમા અપાય છે, લેવાય છે અને કાયમનો અણબનાવ–કલેશ નથી રહેતાં. ત્હેમાં બન્ને સમજુ હોય, સંસ્કારી હોય, પ્રભુપરાયણ હોય તો કાળે કરી વિસરી જાય છે, ને વખત જતાં બન્ને આત્મા વધારે ગાઢ [૧] પરિચયમાં આવે છે. ચંદા અને વસન્તલાલ આ અધઃપાન [૨] પછી એકબીજા તરફ વધારે આકર્ષાયાં અને એ કુટુમ્બમાં ફરીને એકવાર ગૃહદેવીનું રાજ્ય સ્થપાયું.


  1. ૧ ઉંડા.
  2. ૨. નીચે પડવાનો બનાવ.