પૃષ્ઠ:Tarlaa.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨
તરલા અથવા ઉર્મિનો આવેગ

અડોઅડ ઉભી હતી. ભૂજંગલાલના કહેવાતા સ્નેહને આ રૂચિકર [૧] લાગ્યું નહી. ઉનાળાના સખ્ત તાપમાં, અરણ્યમાં ભટકતા તૃષાતુર [૨] માણસ કાંચન જેવા નિર્મળ મીઠા ઝરણા પાસે આવે, અને નીચા પડી પીવા જાય ને કોઈ ગંધાતું પ્રાણી એ પાણી બગાડે ને ચીડ ચડે તેમ ભૂજંગલાલને અત્યારે થયું. ભૂજગલાલથી રહેવાયું નહી. એની ધીરજ એના કાબુમાં રહી નહી. તરત જ ગાડીવાળાને સામાન સંભાળવાનું કહી તરલા અને સુમનલાલ ઉભાં હતાં–ગાડીમાં બેસતાં હતાં–ત્યાં ગયો. જતાં જતાં–તરલાના સામું જોતાં જોતાં-એટલું જ બબડ્યો: 'બસ એ જ તરલા એને ચ્હાતી નથી. ચાહી શકે જ નહી.'

ભૂજંગલાલ તરલા પાસે ગયો. સુમનલાલ પાસે હતો તેની જરાયે દરકાર કર્યા વિના જ બોલ્યો,

'તરલા ! રાત્રે ઉંઘ તો આવી હતી ને ? ગાડીમાં હરકત તો નહોતી આવી ને?'

'ના.'

તરલાની 'ના' માં, એની બોલવાની ઢબમાં, એના મોં ઉપરના રંગમાં, નેત્રમાં જણાતા વિકારમાં જ કાંઈક એવું હતું કે ભૂજંગલાલના હૃદયમાં શાન્તિ ફેલાઈ.

'આ જ ભૂજંગલાલ ! હું ગઈ ત્યારે એમનાં મા સાથે હતાં. ભાભીની બ્હેન લીલા...'

'હા. હું જાણું છું. હું એમને જોયા છે એમ લાગે છે. તરલા ! જતાં માનો સંગાથ અને આવતાં દિકરાનો. ભૂજંગલાલ! ત્હમે રજા ઉપર હશો!'

આના ઉત્તરની જરાયે રાહ જોયા વિના સુમનલાલે ગાડીવાનને ગાડી ચલાવવા હુકમ આપ્યો.


  1. ૧. ગમતું.
  2. ૨. તરસથી પીડાતો.