પૃષ્ઠ:Tarlaa.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૧
શણગારભાભીને ત્યાં પાર્ટી.


તેમ સુંદર અને આકર્ષક બનવામાં એ જરાયે કચાશ રાખતાં નહિ. એ તો એમજ કહેતાં કે જ્યારે મ્હારા હાથપગ અટકશે ત્યારે દેવદર્શન કરીશ કે માળા લઈશ, ત્યાંસુધી તો દુનિયાની મોજ ભોગવીશ. સુરતમાં નવા ઓફીસર, નવા નવા મુસાફર આવે અને તે પૈસાદાર કે “સોસાયટી” ને લાયક હોય તો શણગારભાભીને ત્યાં પાર્ટી ખરીજ. ઘણી યુવાન સ્ત્રીઓને વાત કરવાનું, હદયના ઉભરા ખેલવાનું સ્થાન શણગારભાભી હતાં. ધણીધણીઆણીની, સાસુ વહુની, નણદ ભોજાઈની લ્હડાઈઓ શણગારભાભી પતાવતાં. 'તું આ સાળુ લે,' 'ત્હને આ કબજો શોભશે,' 'તું આવી કંઠી કરાવ' એ સલાહ પણ શણગારભાભીની જ. મ્હોટી ઉમર થતાં–સાસરે આવ્યાને આઠ દસ મહીના થઈ જાય ને સારો દિવસ ન દેખાય તો બાધાઆખડી કે જપમાદળીયાં શણગારભાભી મારફત જ થતાં.

આ શણગારભાભીને ત્યાં આજ પાર્ટી હતી. નવ વાગતાંની સાથે જ મોટરકાર, બબ્બે ઘોડાની ફેટીનો, નાજુક તાયફા, શીગ્રામો, અને વિકટોરીયાઓ શણગારભાભીના બંગલા પાસે આવવા લાગી. મુંબાઈ સુરતમાં વરઘોડા, મીજલસની વ્યવસ્થા કરવા, બેસોજી કરવા, અત્તરગુલાબ દેવા, જામાપીછોડીવાળા ભાડુતી પારસીઓ મળે છે. આવા જ એકાદ બે પારસી બંગલાના દરવાજા પાસે ઉભા રહી, નીચા વળી સલામ કરી ગાડીનાં બારણું ઉઘાડી મહેમાનને દાદરને રસ્તો બતાવતા હતા. ઉપર બારણા પાસે જ શણગારભાભી વૃદ્ધ પણ યુવાન, અરાઢમી સદીમાં પણ એકવીસમી સદીને ટપી જાય એવા ઠઠારામાં ઉભાં હતાં, અને કોઈને શેકહેન્ડ તો કોઈને જય જય કહી હસતા મુખે આવકાર આપતાં હતાં. શણગારભાભીની મિજલસનો હૉલ સ્વર્ગના બાગ સમાન થઈ ગયો હતો. સાડાનવ થતાં, તમામ આવનારા આવી ગયા એમ લાગતાં જ વેળા સફેત પાટલુન, હાફકોટ પહેરેલા, ઉધાડે ઓળેલા માથે અને વગર બૂટે ફરતા 'બૉયો'એ રૂપાના તાટમાં ચાહ કોફીના પ્યાલા દરેકના મ્હોં આગળ ધર્યા. ચાહની