પૃષ્ઠ:Tarlaa.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તરલા અથવા ઉર્મિનો આવેગ

 સોરમ જ એવી હતી કે એકને બદલે બે પ્યાલા લેવાનું મન થાય. બબ્બે ત્રણ ત્રણનાં ટોળાં ચાહને લીધે-ચાહને નામે ભેગાં થયાં હતાં, અને ઘરની બ્હારની, અંતરની વાતો કરી મોજ મેળવતાં હતાં. ભૂજંગલાલને અત્યારે લીલા, તરલા સાંભરતી હશે કે કેમ તેની જેનારને શંકા પડતી; કારણ અત્યારે તે શણગારભાભી પાસે ઉભો હતો, અને શણગારભાભી આવેલા પરોણામાંથી, યુવાન કન્યાઓની ઓળખાણ દૂરથી કરાવતાં હતાં. તરલા આવી હતી. શણગારભાભીને ઘણાંક ચહાતાં નહી, શણગારભાભીને ઘણીક નિંદા થતી, પણ શણગારભાભીનો પ્રભાવ એવો હતો કે એને માટે કોઈ કાંઈ બોલી શકતું નહી, એટલું જ નહીં પણ એને ના કહી શકતું નથી. તરલાથી ના પડાઈ નહીં અને મનની મરજી વિરૂદ્ધ તે આજે આવી હતી. તરલાની તરલ આંખે ભૂજંગલાલને જોયો. ભૂજંગલાલ શણગારભાભી સાથે વાત કરતો હતો અને વારંવાર હોલમાં ફરતી બીજી યુવતીઓને નિહાળતો. તરલાથી આ સહન થઈ શક્યું નહી અને ઉતાવળે પગે શણગાભાભીને મળવાને બહાને આવી.

શણગારભાભીને મળી અને ભૂજંગલાલ તરફ મ્હોં ફરવી તેણે વાત ચલાવી.

'મુંબાઈથી આજ જ મને કાગળ આવ્યો છે. એમાં લખે છે કે લીલા બહુ માંદી છે.'

ભૂજંગલાલે જવાબ આપ્યો–'ખરે !'

લીલા–પોતાની ભવિષ્યની માનીતી પત્ની લીલા–સગાઈ નક્કી થઈ ગઈ છે એવી લીલા–ભયંકર મંદવાડમાં છે, એ ભૂજંગલાલ ન જાણે એ બને જ કેમ ! તરલા માની શકી જ નહી અને ભૂજંગલાલના સામું જોઈ ઉભી જ રહી. આખરે બોલી, 'ભૂજંગલાલ ! શું ત્હમને કાંઈ થતું નથી ? આટલી બધી બેદરકારી ? તમને ખબર ન હોય એ કેમ બને ?'