પૃષ્ઠ:Thag.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : ઠગ
 

સાધુઓ ભેગા થઈ ગયા અને મોટેથી પેલા મુખ્ય સાધુની સાથે પ્રાર્થના ગાવા લાગ્યા. હું અને આઝાદ દૂર બેઠે બેઠે આ સાધુઓની ચેષ્ટા જોયા કરતા હતા.

મને તેમાં ગમ્મત પડી. મુખ્ય સાધુ દેવની આગળ એક મોટો દીવો લઈ ફેરવવા માંડ્યો. બીજા સાધુઓએ તાળીઓ પાડી ગાવાનું જારી રાખ્યું. સંઘમાંનાં કેટલાંક ભાવિક સ્ત્રીપુરુષો પણ દર્શન કરવા દેવની પાસે આવ્યાં. મોટો ઘંટ કાઢી એક સાધુ તેના ઉપર હથોડી જેવી વસ્તુ પછાડી ઘંટ વગાડતો હતો. કેટલાક સાધુઓ શંખનાદ કરતા હતા. જોતજોતામાં ખૂબ શોર મચ્યો અને લાંબા વખત સુધી દેવની સામે દીવો ફેરવવાની ક્રિયા ચાલી. મને આઝાદે જણાવ્યું કે હિંદુ લોકોમાં દેવની ભક્તિ કરવાનો આ એક પ્રકાર હતો. સુંદર દીવો લઈ મૂર્તિની મુખાકૃતિ આગળ ફેરવવાની કૃતિથી હિંદુઓનાં દિલ બહુ ખુશ થાય છે. હું ખ્રિસ્તી હોઈ મૂર્તિપૂજક ન હતો, છતાં મને આ ક્રિયા બહુ જ સારી લાગી.

ધીમે ધીમે આખા સંઘનાં માણસો ત્યાં ભેગાં થઈ ગયાં. સાધુઓ તેમની દરકાર કર્યા વગર ગાયા કરતા હતા. સંઘનાં માણસો પણ એ ગાનમાં સામેલ થઈ ગયાં અને તાળીઓ પાડવા લાગ્યાં. એક સાધુએ એક છોકરાને ઘંટ વગાડવા આપ્યો એટલે તે બહુ ખુશ થઈ ગયો.

મને પણ આ ધાર્મિક વાતાવરણની અસર થઈ. સામાજિક સંકીર્તન અને સામાજિક ભક્તિ એકાંતિક કીર્તન અને એકાંતિક ભક્તિ કરતાં વધારે સારો અને ઊંચો ભાવ ઉત્પન્ન કરે છે. મને પણ ઈશ્વર યાદ આવ્યો.

એટલામાં સાધુ દીવો ફેરવતો બંધ પડ્યો, અરે તેણે એક બીજા શિષ્યને તે સોંપી દીધો. શિષ્ય દીવો લઈ બધી મંડળીમાં ફરવા લાગ્યો, અને સર્વ કોઈ દીપકની જ્યોત ઉપર હાથ ફેરવી તે હાથને પોતાની આંખોએ દાબવા લાગ્યા. દીવો લઈને બધામાં ફરતો શિષ્ય સૌ કોઈને નીચે બેસાડવા પ્રયત્ન કરતો હતો. તે પ્રયત્નમાં બીજા એકબે સાધુઓ સામેલ થયા ને તેમણે સંઘના સર્વ માણસોને નીચે બેસાડી દીધાં.

આઝાદે સહજ હસતું મુખ કર્યું. મને સમજ ન પડી કે તે શા માટે હસતો હશે, એટલે મેં પણ વગર સમજે જવાબમાં સ્મિત કર્યું. મૂર્તિપૂજામાં રહેલી બાલિશતા તરફ ખ્રિસ્તી તેમ જ મુસ્લિમ બંનેને સ્વાભાવિક રીતે હસવું આવે જ.

પાસે ઊભેલો આઝાદ ગંભીર તલપ મારવા તત્પર થતા હિંસક પ્રાણીનો ખ્યાલ મને આપતો હતો. કાંઈ પણ બોલ્યા વગર તે ઊભો હતો. તેનું આખું શરીર કોઈ કાર્ય માટે તત્પર બની ગયું હોય એમ લાગતું. તેની