પૃષ્ઠ:Thag.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લૂંટાતો સંઘ : ૯૩
 

ક્રૂર આંખો એકીટસે કોઈ તરફ નિહાળી રહી હતી.

પેલા સાધુઓએ બધાંને બેસાડી દીધાં એટલે બીજો સાધુ હાથમાં થાળી લઈ તેમાંથી પ્રસાદ બધાંને આપવા લાગ્યો.

મેં આઝાદને એ કાર્યનો અર્થ પૂછ્યો. તેણે જણાવ્યું કે હિંદુઓ દેવની મૂર્તિને ખોરાક ધરાવે છે અને તે દેવતાને પહોંચ્યા બરોબર ગણાય છે. પરંતુ દેવ ખરેખર જમી શકતા ન હોવાથી એ બધું ભોજન ઈશ્વરના પવિત્ર પ્રસાદ તરીકે માની ભક્તોમાં વહેચવામાં આવે છે. એ પ્રસાદની ના પાડવી એ દેવનું અપમાન કર્યા બરાબર ગણાઈ એ અપમાનનાં અનેક કપરાં પરિણામોનો ભય બતાવાય છે. પેલા રક્ષકો પણ પોતાનાં હથિયારો ઉતારી દેવ પાસે આવ્યા હતા. તેઓ પણ નીચે બેસી ગયા અને વહેચાતા પ્રસાદ માટે આતુરતા બતાવવા લાગ્યા. છોકરાં પ્રસાદને માટે આગળ હાથ ધરી પોતાનો વિશેષ હક બતાવવા લાગ્યા. હું આ ધમાલ સાનંદાશ્ચર્યથી જોઈ રહ્યો હતો.

એકાએક આઝાદે ઊંડો શ્વાસ લીધો. દેવ પાસે બેઠેલો મુખ્ય સાધુ આઝાદના સામું જોયા કરતો હતો, તે પણ સહજ ચમકી ઊઠ્યો. હું જોઉં છું તો મને જણાયું કે આઝાદ પોતાના ખીસામાંથી કાંઈ કાઢતો હતો. હરણ ઉપર તલપી રહેલા ચિત્તાને પટ્ટો છોડતાં જેવી અધીરાઈ લાગે તેવી અધીરાઈ મને ગંભીરના મુખ ઉપર દેખાઈ.

ધીમે રહીને આઝાદે ખીસામાંથી એક રૂમાલ ખેચી કાઢી હલાવ્યો. શું થાય છે એ સમજવામાં આવે તે પહેલાં તો સઘળા સાધુઓ સઘળા પુરુષવર્ગના ગળામાં ફાંસો ઘાલી ઊભા રહેલા મેં જોયા. પ્રસાદ વહેંચવાનું કામ એમ ને એમ અટકી રહ્યું ! તેને બદલે રખેવાળો અને સંઘમાંના પુરુષવર્ગની મુખ્ય વ્યક્તિઓનાં ગળાંની આસપાસ રેશમી રૂમાલ વીજળીની ઝડપે વીંટાયાનું દૃશ્ય મેં જોયું. ભયથી બધાં જ શાંત પડી ગયાં. છોકરાં રડી પણ શક્યાં નહિ અને સ્ત્રીઓ ફાટેલી આંખે શું થાય છે તે વગર બોલ્યે જોતી બેઠી. કોઈથી ઊભાં પણ થવાયું નહિ. સઘળાં જ્યાં અને ત્યાં ચોંટી જ રહ્યા. જેમને ગળે ફાંસા હતા. તેઓ તો હાલી પણ શકે એમ ન હતું. એટલું જ નહિ, કેટલાક મજબૂત લાગતા માણસોને તો ફાંસો નાખતા બરોબર ઊંધે મુખે જમીન ઉપર પટકી નાખી તેમના પગ ઉપર સાધુઓને ઊભા રહેલા મેં જોયા. કોઈક અજબ ચાલાકીથી સંઘનાં મહત્વનાં માણસો ખોળી કાઢી વીજળીના વેગથી રેશમી રૂમાલો તેમના ગળાની આસપાસ વીંટાઈ વળ્યાનું દૃશ્ય એ ઠગ લોકોની ચાલાકીનું મારે તો પ્રથમ દર્શન હતું. વાતો ઘણી સાંભળી હતી. પરંતુ કૃત્ય આજે જ જોયું, અને હું છક્ક બની ગયો.