પૃષ્ઠ:Thag.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : ઠગ
 

રૂમાલની ગાંઠ કંઠની બરાબર વચમાં આવેલી હતી. એક હાથે આ પ્રમાણે રૂમાલ ઝાલી ઊભા રહેલા સાધુઓ એક સહજ આંચકો આપે તો ફસાયેલા માણસોના પ્રાણ નીકળી જાય એવી સ્થિતિ હતી. તેમાંયે નીચે નાખેલા માણસોની લાચારીનો પાર નહોતો. ગળું રૂધાવવાની સાથે જ તેમના પગ પણ ભાંગી શકાય એવી સ્થિતિમાં તેમને નાખ્યા હતા. બેચાર રખેવાળો છૂટા રહી ગયા હતા તેઓ કાંઈ બોલ્યા નહિ, અને આખા પચાસ-સાઠ માણસના કાફલાનો પ્રાણ આ સાધુઓના વેશમાં છુપાયેલા ફાસિયાઓની એક ક્ષણભરની ખેંચ ઉપર લટકી રહેલો હતો.

ઠગ લોકોની ભયંકરતા મેં આજે પ્રત્યક્ષ જોઈ. વાઘ અને સિંહ કરતાં પણ વધારે ડર લોકોને ઠગનો હતો તેનું કારણ આજે હું પૂરેપૂરું સમજી શક્યો. અણધારી જગામાં કલ્પનામાં પણ ન આવે એવા સંજોગો વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન કરીને ઠગ લોકો પોતાનો ભોગ થઈ પડતા મનુષ્યોને ફસાવતા. રસ્તાઓ ઉજ્જડ થાય એમાં કશી નવાઈ નહિ.

આઝાદે ધીમે રહી. મને જણાવ્યું :

‘આ લોકોને એક ક્ષણમાં અમે મારી નાખત. જૂના વખતમાં એમ જ થતું. પરંતુ સમરસિંહે હમણાં વળી કાયદો ફેરવાવ્યો છે. વગર જરૂરનું કોઈ પણ ખૂન ન થવું જોઈએ; અને ખૂન કરનારે ખૂન કર્યા વગર ચાલે એમ નહોતું એવું પુરવાર કરવું પડે છે. અમે તો ઘણા વિરુદ્ધ હતા. પરંતુ સમરસિંહનું કહેવું એમ થાય કે ઠગ એ કાંઈ માત્ર ચોર નથી, માત્ર ડાકુ નથી, માત્ર ખૂની નથી; ઠગ તો ઈશ્વરનો - મહાકાળીનો સેવક છે. મહાકાળી પાપીઓનો, કંજૂસોનો, અપરાધીઓનો, મહાદુષ્ટોનો, રાક્ષસોનો ભોગ લે; ગમે તેને મારવું એ માતાનો કોપ વહોરવા બરોબર છે. માતાજીની મરજી વિરુદ્ધનાં હવે ખૂનો થવા માંડ્યાં એટલે જ અમારી પડતી થવા લાગી છે. બધા લોકોએ એનું કહ્યું માન્યું. મને પણ તે વખતે એ વાત ગળે ઊતરી એટલે અમે સહુએ હવે કસમ લીધા છે કે નિરર્થક જીવહાનિ ન કરવી.'

‘તમારી પડતી એટલે ?' મેં પૂછ્યું.

‘આ તમે સાહેબ લોકો અમારી પાછળ થયા છો એ એક રીતે તો અમારી પડતી જ ને ? આજ સુધી અનેક રાજરજવાડાં અમને આશ્રય આપતા; હવે એ ઓછું થઈ ગયું. તમે સત્તાધારી બન્યા, અને સત્તાનો વિરોધ અમે ઠગ લોકો ભાગ્યે જ કરીએ છીએ.'

‘તો હવે તમે તમારું કામ બંધ કેમ કરતા નથી ?’ મેં કહ્યું.

‘હવે સુમરાનો પ્રયોગ કરીએ છીએ. લોકોને વગર માર્યે અમે માતાજીને પ્રસન્ન કરીશું તો તમે જાતે જ અમને પૂછતા આવશો'.