પૃષ્ઠ:Thag.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯
 
છાવણીની પડોશમાં
 


મુખ્ય સાધુએ પેટી હાથમાં લીધી. તેણે મશ્કરીમાં શેઠાણીને આર્શીવાદ આપ્યો :

‘એકના અનેક થજો. બાઈ ! સાધુને દાન આપવાથી ઈશ્વર પ્રસન્ન રહે છે. શેઠને જરા શિખવાડજો કે હાથની મૂઠી સહજ હલકી કરે.’ બાઈ બિચારી કાંઈ બોલી નહિ.

રામચરણ શેઠ પાસે જઈ તે સાધુ બોલ્યો :

‘શેઠ ! આ વખત તો જીવતા રહ્યા છો, પણ હવે સંભાળજો. વ્યાજમાં ગરીબો અને વિધવાઓને માફી આપજો ! અને રાજારજવાડાનાં ઝવેરાત પચાવી જવાની દાનત મૂકી દેજો નહિ તો ફરીથી બચશો નહિ.’

શેઠને ગળેથી ફાંસો ખસ્યો અને તે સાથે સહુના ગળામાંથી ફાંસો કાઢી નાખવામાં આવ્યો. જીવ બચ્યો જોઈ સહુના હૃદય પ્રફુલિત થયાં, પરંતુ રામચરણનું મુખ પ્રફુલ્લિત ન બન્યું, જીવતા રહ્યાનો આનંદ તેમને થયો હોય એમ લાગ્યું નહિ. અડધું સંભળાય અને અડધું ન સંભળાય એવી ઢબે તેમણે લૂંટનારને શાપ આપ્યો, જે સાંભળી ફરી પાછા સાધુઓ હસી પડ્યા. નિર્માલ્ય શાપના જેવી હસવા લાયક કોઈ પણ ચીજ નથી.

સાધુઓએ જવા માંડ્યું. તેમની નાની નાની ધૂણીઓ જ્યાં ત્યાં ધુમાતી પડી રહી. મને લાગ્યું કે કદાચ આમ છૂટવાથી પેલા રખેવાળો અને સંઘના પુરુષો ઠગ લોકો ઉપર તૂટી પડશે. મેં આઝાદને મારી શંકા જણાવી. પરંતુ આવા કાર્યમાં આખું જીવન ગાળનાર આ ઠગ પોતાનો ભોગ થઈ પડેલા ભયગ્રસ્ત સમૂહને મન મારી કરતાં વધારે સારી રીતે પારખી શકે એમ હતું.

‘મગદૂર નથી કે હવે કોઈ સામનો કરે !’ આઝાદે જણાવ્યું. રખેવાળોની હિંમત ચાલશે જ નહિ. અને સંઘના માણસો તો વેપારી વર્ગનાં છે. એ શું સામા થઈ શકે ? અને રખેવાળોને ફાંસામાં નાખ્યા ત્યારે ઘણાંયે માણસો અમે છૂટાં રાખ્યાં હતાં. કોઈએ કશું જ ન કર્યું. એક પેલા પાણીવાળા સવાર સિવાય. એટલે હવે કોઈથી બોલાય એવું છે જ નહિ.’