પૃષ્ઠ:Thag.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : ઠગ
 

નીવડયો ન હતો. મારા મનને ખોટું લાગ્યું, પરંતુ બીજો ઇલાજ ન હતો.

આઝાદે કહ્યું :

‘શેઠસાહેબ ! તમારું ધન અમે બચાવી શક્યા નહિ એ માટે દિલગીર છીએ. અમારું લશ્કર સહજ દૂર છે. હજી જો બચવાની ઇચ્છા હોય તો ત્યાં જઈને રાતવાસો કરો. ઠગ લોકોનો શો વિશ્વાસ ?’

‘હું તો હવે લૂંટાઈ ગયો. મારું ખરું ધન ચાલ્યું ગયું. હવે જ્યાં પડી રહીશ ત્યાં ચાલશે.’ શેઠે જવાબ દીધો.

પરંતુ સંઘના બીજા માણસોની પાસે થોડુંઘણું લૂંટાવા જેવું ધન હતું જ એટલે તેમને ડર રહ્યા કરતો હતો કે રખે ઠગ લોકો પાછા આવે. ધનની લૂંટ અને જીવનું જોખમ એ બેમાંથી એકે સહન થાય એમ ન હતું. એટલે આઝાદની સલાહ પ્રમાણે લશ્કરની બાજુએ જઈ રાતવાસો કરવાનો સહુએ નિશ્ચય કર્યો.

મેં પૂછ્યું :

‘આઝાદ ! તમે કહો છે તે મુજબ ખરેખર અમારું લશ્કર અહીં જ છે, ખરું ?'

‘આપની સાથે હું જૂઠું નહિ બોલું. હું આપની દોસ્તી ચાહું છું. જુઓ, સામે અંધારામાં પેલી ઘટા નીચે થોડું અજવાળું જણાય છે. આપ ત્યાં પધારો, એ આપની જ છાવણી છે. હું પાછો મળીશ. મટીલ્ડાની વાત ભૂલશો નહિ. સમરસિંહને હું નહિ ભૂલું.’