પૃષ્ઠ:Thag.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજાણ્યો યુવક : ૩
 

વાસીઓ ગોરાઓ પાસે સામાન્યતઃ ગભરાતા બેસે છે એ હું જાણતો હતો, તેથી આ યુવકની સ્થિરતા મને ખરેખર આકર્ષક લાગી. છતાં હું શિકારની પાછળ આટલે દૂર આવ્યો હતો તે આ અજાણ્યા છોકરાએ કેમ જાણ્યું ? મેં તેને તે વિષે પૂછ્યું. તેણે સરળતાથી જવાબ વાળ્યો :

‘સાહેબ ! આપને હું બરાબર ઓળખું છું. કર્નલ સ્લિમાનસાહેબને કોણ ન ઓળખે ? ઠગ લોકોનો નાશ કરવા કંપની સરકારે આપને નીમ્યા છે. આખું હિંદુસ્તાન આપને ઓળખે છે અને હું ન ઓળખું ?'

આવી ભયંકર એકાન્ત જગામાં મારા નામ અને હોદ્દા સાથે મને પિછાનતો એક હિંદી મારી સામે બેઠો છે એ વિચાર મને કંપાવવા માટે બસ હતો. ઠગ લોકોનું મુખ્ય મથક આ પ્રદેશમાં જ હતું એમ હું જાણતો હતો. અને એટલા જ કારણે મારા લશ્કરની છાવણી આટલામાં નાખી હતી. શું મારી સામે કોઈ ઠગ બેઠો હતો ? વાઘના કરતાં પણ ભયંકર હાસ્ય હસતો ઠગ અને ગળે ફાંસી દેવા માટે છુપાયેલા રેશમના રૂમાલની મને કલ્પના ખડી થઈ. હું એકલો હતો, મારું હૃદય સહજ ધડક્યું.

હવે તો અંધારું થવા આવ્યું છે અને આપનો તંબુ અહીંથી ઘણો જ દૂર છે. અત્યારે આપનાથી જઈ શકાશે નહિ. રાત અહીં જ મારી સાથે ગાળો. હું આટલામાં જ રહું છું. પેલી ખીણ ઊતરશું એટલે તુરત મારું ઘર આવશે.' તેણે કહ્યું.

આ યુવકની ભયંકર સરળતાથી હું ગભરાયો. તેના વિષે થતી શંકા મને દૃઢ થઈ ગઈ, અને મેં અનેક બહાનાં કાઢવા માંડ્યા. મુસાફરોમાં વિશ્વાસ ઉપજાવી મધુરતાભર્યા આમંત્રણોને અંતે તેમનો ઘાત કરવા ઠગના આગેવાનોથી હું છેક અજાણ્યો નહોતો. પરંતુ અહીં હું અને પેલો યુવક બે એકલા જ હતા. મારા સાથીઓનો પત્તો નહોતો અને યુવક તો પોતાનું સ્થાન પાસે જ બતાવતો હતો. બહાનાં કાઢ્યા સિવાય બીજો માર્ગ મને દેખાયો નહિ. મારા સૈનિકો રાહ જોતા હશે ! મને રાત્રે નહિ દેખે તો તેઓ અનેક કલ્પનાઓ કરી બેસશે ! કદાચ ઠગના હાથમાં જ હું ફસાઈ પડ્યો હોઈશ એવા ભયમાં પણ તેઓ પડશે અને ધાંધળ કરી મૂકશે ! આવી આવી કેટલીક વાતો કહી તેના આમંત્રણમાંથી કેમ છુટાય તેની પેરવી મેં કરવા માંડી. મારાં બહાનાં સાંભળી યુવકના મુખ ઉપર સ્મિત તરી આવ્યું. તેણે કહ્યું :

‘સ્લિમાનસાહેબ ! હું રાતમાં જ આપને આપના મુકામ ઉપર લઈ જાત, પરંતુ મારાથી આજે અનેક કારણોને લીધે આવી શકાય એમ નથી. બીજો કોઈ ભોમિયો માણસ પણ નથી કે જેને આપની સાથે મોકલું. આપ