પૃષ્ઠ:Thag.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨ : ઠગ
 


‘આઝાદ કાંઈ આપને આમ સહજ જવા દે એવો નાયક નથી. કાં તો આપને બંધનમાં નાખી પોતાની શરત કબૂલ કરાવવી, અગર તો વેપારીઓને લૂંટી આપની મૈત્રીનો દેખાવ કરી છૂટા પડવું, એ બેમાંથી ગમે તે માર્ગે તે જઈ શકે એમ હતું. આખી યોજના અને યુક્તિ તેણે એ જ ધોરણે રચી હતી. આયેશાએ બંધનમાંથી તો આપને છોડાવ્યા, પરંતુ આ છેવટની બાજીમાં તેને ડર લાગ્યો એટલે મને બોલાવ્યો, અને આપના રક્ષણ માટે મોકલ્યો.’ ગંભીરે જણાવ્યું.

આયેશા માટે મને ઘણી જ લાગણી થઈ હતી. આ કથન પછી મારું માન તેને માટે એકદમ વધી ગયું.

‘મારે માટે આટલી બધી કાળજી !’ મેં આશ્ચર્ય બતાવ્યું.

‘સમરસિંહે આપની ભાળવણી આયેશાને કરી હતી. હું તેમની સાથે સદાય રહેતો, છતાં આ વખતે તેઓ મને સાથે લઈ ગયા નહિ. એનું કારણ આપ સમજી જાઓ. આપને સાચવવા મને ઘેર જ રાખ્યો હતો - સાથે લઈ ગયાનો દેખાવ કરીને !’

છાવણીમાં ઘોંઘાટ થઈ રહ્યો. પેલા ચોકીદારે બધાને ખબર પહોંચાડી હશે અને તેથી જ આમ બનતું હશે એમ મારી ખબર થઈ. કેટલાક લોકો મારી તરફ આવતા હતા એમ મને જણાયું.

‘ત્યારે હું જાઉ છું, સાહેબ ! હવે આપ આપની છાવણીમાં જ છો.’ તેને હું જવાબ આપું તે પહેલાં તો ગંભીર અદૃશ્ય થયો. આટલી ઝડપથી તે કેવી રીતે દેખાતો બંધ થયો એ બધું મને આશ્ચર્ય ઉપજાવતું હતું. ભૂત અગર જાદુગરોની જ આવી શક્તિ હોય એમ લોકવાયકા છે. પરંતુ આ ગંભીર જેવો બળવાન કદાવર મનુષ્ય જોતજોતામાં ક્યાં સમાઈ ગયો હશે તે સમજવું મને મુશ્કેલ થઈ પડ્યું. છાવણીમાંથી લશ્કરીઓનું ટોળું મારા તરફ આવી પહોંચ્યું, અને સહુ કોઈએ ખુશાલીના પોકારો કર્યા. સર્વ સૈનિકોને મારા પ્રત્યે સદ્ભાવ હતો. અને જોકે આજ્ઞાપાલન અને શાસનની બાબતમાં હું ઘણો કડક હતો, છતાં તેઓ મારા કડક સ્વભાવનો અનુભવ કરવા જેવા પ્રસંગો ભાગ્યો જ ઉપસ્થિત કરતા.

હું છાવણીમાં આગળ વધ્યો. મારા હાથ નીચેનો અમલદાર મારી સાથે એક તંબુમાં આવ્યો અને મારી ગેરહાજરીમાં બનેલી હકીકત ટૂંકાણમાં તેણે મને જણાવી. પ્રથમની છાવણીમાં આગ લાગ્યા પછી મારો પત્તો ન મળવાના કારણે સહુ કોઈ વ્યગ્ર થઈ ગયા. આગ કોણે લગાડી તે કોઈ પકડી શક્યું નહિ. પરંતુ તે ઠગ લોકોનું જ કામ હતું એમ મારા લશ્કરીઓને પણ સ્પષ્ટપણે લાગેલું હતું. નવાઈ જેવું તો એમ હતું કે આટલી ભારે