પૃષ્ઠ:Thag.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ : ઠગ
 

એટલો પ્રયત્ન કરે છતાં તેનાથી કાંઈ જ પરખી શકાય એમ નહોતું. મેં ઘણા જાદુગરો જોયા હતા, તેમના પ્રત્યક્ષ ખેલો મેં નિહાળ્યા હતા, અને તેમની સાથે ઘણી ઘણી વાતો પણ કરી હતી. તેમની પાસેથી લોકસ્થિતિ જાણવાનું પણ સાધન મળતું. એ લોકો આનંદી, વિચિત્ર અને વિવેકી લાગતા. છતાં તેમની કુનેહ, તેમની યુક્તિ અને તેમની આવડતને લીધે મને એવી શંકા હતી કે આ લોકો માત્ર જાદુગર ઉપરાંત બીજું કાંઈ પણ કાર્ય કરતા હોવા જોઈએ. એ શંકા વધારે દ્દઢ થતી ગઈ અને આ લોકો ઠગની સાથે પણ મળતા રહેતા હશે એમ પણ મને લાગ્યા કરતું. બંગલાના ચૉગાનમાં એક મોટો તંબૂ બાંધ્યો હતો, ત્યાં જાદુગરના ખેલ થવાના હતા. સંધ્યાકાળનો વખત હતો. ગમે તે કારણે પણ આજ જાદુગરના ખેલ મને ગમશે જ નહિ એમ લાગ્યા કરતું હતું. પરંતુ બીજા મહેમાનો ઘણા જ ઉત્સાહથી જાદુગરની રાહ જોતા હતા. એ મહેમાનોમાં સ્ત્રીઓ પણ સામેલ હતી. ઘણા ઓળખીતા માણસો મને મળ્યા, અને મારી ખબર પૂછવા લાગ્યા. મારી ખબર ઉપરથી સ્વાભાવિક રીતે ઠગ લોકોના ઉપર જ વાત ચાલી. મેં અનેક રસદાયક પ્રસંગો સંભળાવ્યા અને જોતજોતામાં મારી આજુબાજુએ ઠગ લોકોની હકીકત સાંભળવા મહેમાનોનું ટોળું ભેગું થઈ ગયું. કેટલાક નવા આવનાર મહેમાનો જાદુગરનું કાર્ય અહીં જ થતું હશે એમ માની નજર કરતા, અને મને ઠગ લોકોની વાત કરતો જોઈ હસી પડી તે વાત સાંભળવા બેસતા.

એકાએક ખબર પડી કે ખેલ કરનાર જાદુગર આવ્યો છે. બધા તેની ઘણી જ તારીફ કરતા અને તે ખરેખર કોઈ ચમત્કારિક પુરુષ છે એમ માનતા હતા. ગોરાઓને પણ મનમાં સંશય રહેતો કે કદાચ આ જાદુગરમાં દેવી કે પિશાચી શક્તિ રહેલી હશે. અમે બધા તંબુમાં જઈ બેઠા અને જાદુગરના આવવાની રાહ જેવા લાગ્યા.

તંબુમાં બેઠક ગોળાકાર ગોઠવી હતી. તેના ઉપર બધા મહેમાનોને બેસવાની સગવડ હતી. એ ગોળાકારની પાછળ વચ્ચોવચ્ચ બે મોટી ખુરશીઓ મૂકી હતી, જેના ઉપર ગવર્નર જનરલ સાહેબ તથા તેમનાં બાનુ બેસવાનાં હતાં. સામે જાદુગરે એક લાંબો પડદો નાખ્યો હતો અને તેની અંદર બધી ગોઠવણ તેણે ઝડપથી કરી લીધી હતી.

બધા મહેમાનોમાંથી એક ઓળખીતી સ્ત્રી સાથે જઈને મેં મારી જગા લીધી. ગવર્નર સાહેબ તથા તેમનાં બાનુ પણ આવીને બેસી ગયાં. તેમનાથી સહજ દૂર તેમનો એક ગોરો અને હિંદી અંગરક્ષક ઊભા રહ્યા અને જાદુગરે કાળો પડદો ખસેડી નાખ્યો. અમે સહુએ તાળીઓ પાડી તેને