પૃષ્ઠ:Thag.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જાદુના ખેલ : ૧૦૭
 

આવકાર આપ્યો. જાદુગર બહુ વિવેકથી નમ્યો.

તેણે અને તેના સાગરીતોએ ધીમે ધીમે જોનારને હેરત પમાડે એવા હાથ ચાલાકીના ખેલ કરવા માંડ્યા. એક વસ્તુની દસ બનાવી દેવી, ચીજો અણધારી રીતે ગુમ કરવી અને કલ્પનામાં પણ ન આવે એવા સ્થાનમાંથી તે કાઢવી, વગેરે ઘણી હસ્તપલ્લવી તેમણે કરી બતાવી. એ સઘળી યુક્તિઓ તદ્દન નવી હતી. મેં સામાન્ય જાદુગરો ઘણા જોયા હતા, પરંતુ તેમની પાસેથી કદી ન જોયેલા પ્રકારો આ જાદુગરે બતાવ્યા. તેનું હસતું મુખ, આંજી નાખે એવી કાળી ચમકતી આંખો, સહજ ગર્વભર્યો આત્મવિશ્વાસ, કામ કરવાની સરળતા અને કુશળતા, મોહક વાચાળતા, એ સર્વ ગુણોને લઈને તે જાદુગર ઘણો જ આકર્ષક લાગતો હતો. સ્ત્રીઓ તો લગભગ તેની પાછળ ઘેલી જેવી થઈ ગઈ. મને આ બધું ગમ્યુ નહિ. એક ભિખારીની પંક્તિના કાળા જાદુગરની સામે આશ્ચર્યથી જોઈ તેને શાબાશીથી વધાવ્યા કરવો એ તેનો વિજય ધ્વજ અમે ફરકાવતા હોઈએ એમ મને લાગ્યું.

જાદુગર વચમાં વચમાં જણાવતો કે તેની યુક્તિઓ કોઈને પકડાઈ આવે તો તે જેણે તેણે ખુશીથી બતાવવી. કોઈને અંગત તપાસ કરી તેનું રહસ્ય ઉઘાડું પાડવું હોય તોપણ તેને કશી હરકત નહોતી અને જે યુક્તિઓ તે પોતાના અગર સાગરીતોના અંગ ઉપર કરતો હતો, તે જોનાર ગૃહસ્થોમાંથી ગમે તેના ઉપર કરવાને તે તૈયાર હતો. પોતે પકડાવાનો ડોળ કરતો અને અચાનક પ્રસંગને જુદો જ પલટો આપી તેને પકડવાનો પ્રયત્ન કરનાર કોઈ પણ મહેમાનને તે છોભીલો પાડી દે તો. બધાને ઘણી ગમત પડી. સ્ત્રીઓ તો હસવાને તૈયાર જ હતી. કોઈ ગંભીર દેખાતા પુરુષને અત્યંત માન ભરેલી રીતે જાદુગર કફોડી સ્થિતિમાં મૂકી દેતો ત્યારે સહુ કોઈ ખડખડાટ હસતાં હતાં.

આ જાદુગરો ઘણાં ચાલાક હોય છે તે હું જાણતો હતો, મનુષ્ય સ્વભાવને સારી રીતે પારખનારા હોય છે તેની પણ મને ખબર હતી. પરંતુ આ સર્વ આનંદમાં આવી ગયેલી મંડળીમાંથી હું જ ફક્ત તેની અસર નીચે નહોતો આવી ગયો એમ તેણે પારખી લીધું ત્યારે તો હું તેની મન પારખવાની શક્તિથી હેરત પામી ગયો. તેણે મને ઉદ્દેશીને પૂછ્યું :

‘આપે તો મને જોયો હશે એમ લાગે છે !’

મેં કહ્યું : ‘મને બરાબર યાદ નથી. પણ મેં ઘણા જાદુગરો જોયા છે.’

‘માટે જ આપને મારી યુક્તિઓમાં જોઈએ તેટલો રસ પડતો નહિ હોય.’