પૃષ્ઠ:Thag.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ : ઠગ
 

જરા રહી પાછું તેણે કહ્યું : ‘આ સઘળા ખેલો તો આપે જોયા જ હશે!'

મારે કબૂલ કરવું જોઈએ કે મેં આમાંનો એક પણ ખેલ નહોતો જોયો. મેં જોયેલા જાદુગરોના ખેલો કરતાં નિઃસંશય આ જાદુગરના ખેલ તદ્દન નવીન, અપૂર્વ અને વિસ્મયકારક હતા. છતાં હું તેને નમતું આપવા માટે તૈયાર નહોતો.

‘આ જ ખેલ નહિ તો આવા અને આને મળતા ઘણા ખેલો મેં જોયા છે.'

સર્વ મહેમાનોનું ધ્યાન મારા તરફ ખેંચાયું.

‘ઘણા તો નહિ.’ જાદુગરે સામો જવાબ આપ્યો, ‘પણ હા, મારા કોઈ કોઈ શિષ્યોને હું મારા ખેલો બતાવું છું, તેમાંથી કોઈક આવો ભાસ આપે એવો ખેલ કદાચ આપે જોયો હોય. પણ હવે દુનિયાભરમાં કોઈએ ન જોયેલી સફાઈ હું આપને બતાવું તો ?'

જાદુગરના ખેલોને ચકિત ન થઈ જવાનો જાણે મેં નિશ્ચય કર્યો હોય તેમ આછા તિરસ્કારપૂર્વક હસીને મેં તેને જણાવ્યું :

‘એવી સફાઈ બતાવશો તો હું ખુશાલીની તાળી પાડીશ.’

જરા પણ લેવાઈ ગયા સિવાય તદ્દન હસતે મુખે તેણે કહ્યું :

‘જી હા ! હું તાળીનો જ ભૂખ્યો છું. સહુએ તે આપી છે, પરંતુ આપે મને તાળી આપવામાં જબરી કંજૂસાઈ બતાવી છે. માટે જ હું આપની એક તાળીની કિંમત એક લાખ રૂપિયા જેટલી સમજીશ. પણ ખરેખરા ખુશ થાઓ તો સાચા દિલથી શાબાશી આપજો.’

આટલી વાતચીત મારી સાથે કરી તેણે સઘળા જોનારાઓને ઉદ્દેશીને કહ્યું :

‘કદરદાન નામવરો ! આપ બહુ જ બારીકીથી મને જોજો. આપ સઘળી સાવધાની રાખજો. જેટલી ખબરદારી આપનાથી રખાય એટલી રાખજો. હું આપને એવી કરામતો હવે બતાવવા માગું છું કે જેનો આપને સ્વપ્નમાં પણ ખ્યાલ થયો નહિ હોય. આપે મને તપાસવો હોય તો તપાસી લો. હું જે ખેલ બતાવીશ તેની અને એ સઘળી ચીજો વચ્ચે તેમ જ મારી વચ્ચે કાંઈ પણ સંબંધ નથી એમ હું કહું છું. આપ તેની ખાતરી કરો. પછીથી ન કહેશો કે જાદુગરે જુઠાણું ચલાવ્યું.’

મને સંબોધી. તેણે કહ્યું :

‘સાહેબ ! આપ જ આ બધું તપાસો.'

મેં કહ્યું : ‘હું એકલો નહિ.’